/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/train-children.jpg)
એકલવ્ય રેસીડેન્સિયલ સ્કૂલમાં સ્થાનિક વિદ્યાર્થીઓની અવગણના થતી હોવાનો આક્ષેપ
ડાંગ જિલ્લામાં આવેલી એકલવ્ય રેસીડેન્સીયલ સ્કૂલોમાં સ્થાનિક વિદ્યાર્થીઓની અવગણના કરવામાં આવતી હોવાની વિગતો સામે આવી છે. બહારના વિદ્યાર્થીઓને એડમિશન આપી સ્થાનિકોની સાથે અન્યાય કરાતો હોવાની ફરિયાદ જિલ્લા પંચાયત પ્રમુખ બાબુરાવ ચૌર્યાએ કરી છે. ૯૫ ટકા આદિવાસી વસ્તી ધરાવતા ડાંગ જિલ્લામાં રાજ્યનાં આદિજાતિ વિભાગ દ્વારા કરોડોના ખર્ચે સાત અદ્યતન એકલવ્ય શાળા બનાવવામાં આવી છે. મોટાભાગની શાળાઓમાં કર્મચારીઓ મનસ્વી વર્તન કરતા હોવાની પણ તેમણે ફરિયાદ કરી છે.
ડાંગ જિલ્લાના પ્રમુખ બાબુરાવ ચૌર્યાએ એડમીશન માટે લેટરપેડ પર ભલામણ કરી હતી. જે વાલીએ રજૂ કરતાં સાપુતારાની એકલવ્ય રેસીડેન્સીયલ શાળામાં ફરજ બજાવતા મહિલા કર્મચારીએ પ્રમુખની ગરિમા નહીં જાળવી લેટરપેડના ટુકડા કરી નાંખ્યા હતા. જિલ્લા પંચાયત પ્રમુખનાં ભલામણ પત્રનો અનાદર કરી મહિલા કર્મચારીએ વાલીઓને પણ ખખડાવી નાંખ્યા હતા.
આ સંદર્ભે બાબુરાવ ચૌર્યાએ જણાવ્યું કે, એકલવ્ય શાળાઓમાં સ્થાનિક વિદ્યાર્થીઓની અવગણના કરી બહારના વિદ્યાર્થીઓનો સમાવેશ કરાય છે. જેથી સ્થાનિક આદિવાસી બાળકો શિક્ષણથી વંચિત રહી જાય છે. સાપુતારાની એકલવ્ય રેસીડેન્સીયલ શાળામાં મારા લેપટપેડ પર કરેલી ભલામણને ત્યાંથી મહિલા કર્મચારીએ વાલી સામે જ ફાડી નાંખી ચૂંટાયેલા પ્રતિનિધિનું અપમાન કર્યું છે. જે સંદર્ભે તે કર્મચારી વિરૃદ્ધ ઉચ્ચકક્ષાએ ફરિયાદ કરી કાર્યવાહી કરવાની માંગ કરી છે.