- ૧૨૮ કિલો સોનુ અને ૨૦૦ કિલો ચાંદી ખજાનામાં હોવાનુ અનુમાન
- ખજાનાની બહારની તરફના રૂમની ચાવીઓ યથાવત
દેશના સુપ્રસિધ્ધ ઓરિસ્સાના જગન્નાથપુરી મંદિરના ખજાનાની ચાવીઓ ગાયબ થઈ ગઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે. જગન્નાથ મંદિરના નાણાકીય વહિવટ અંગેની સુનાવણી દરમિયાન પણ સુપ્રીમ કોર્ટે સંખ્યાબંધ સૂચનો કર્યા છે ત્યારે ઓરિસ્સાના રાજ્યપાલ ગણએશી લાલે પણ મંદિરના ખજાનાની ચાવીઓ ગાયબ થવા પર ચિંતા વ્યક્ત કરી છે.
રાજ્યપાલ ભવન દ્વારા નિવેદન બહાર પાડીને કહેવામાં આવ્યુ છે કે રાજ્યપાલ ગાયબ થયેલી ચાવીઓ પાછળનુ સત્ય જાણવા માંગે છે. ૧૨મી સદીમાં બનેલા આ મંદિરના ખજાનામાં મોટી સંખ્યામાં સોના ચાંદીના દાગીના હોવાનુ અનુમાન છે. ખજાનાની ચાવીઓ જિલ્લા અધિકારી પાસે હોય છે પણ એપ્રિલ મહિનામાં ખબર પડી હતી કે ચાવીઓ ગાયબ છે.
જેના પગલે મુખ્યમંત્રી નવીન પટનાયકની ઓરિસ્સા સરકારે એક કમિટિ બનાવી હતી. આ કમિટિએ મહિનામાં રિપોર્ટ રજૂ કરવાનો છે. ખજાનાના અંદરના રૃમમાં ૧૨૮ કિલો સોનુ અને ૨૦૦ કિલો ચાંદીના વાસણો હોવાનુ અનુમાન છે. જેનો ઉપયોગ રથયાત્રા અને અન્ય મહત્વના તહેવારો સમયે કરવામાં આવે છે.
મંદિરના રેકોર્ડ પ્રમાણે ૧૯૬૪ થી અંદરના ઓરડામાં કોઈ પ્રવેશ કર્યો નથી. ૧૯૬૪માં તેને ખોલવામાં આવ્યા બાદ ૧૯૮૫માં ફરી પ્રયત્ન કરાયો હતો. જોકે ખજાનામાં ઝેરી સાપની ખબરથી આ પ્રયત્ન અધુરો છોડી દેવામાં આવ્યો હતો. એ પછી ચાવીઓ ગાયબ થયાની ખબર આવી છે. જે ચાવીઓ ગાયબ છે તે અંદરના ઓરડાની છે. ખજાનાની બહારની તરફના રૂમની ચાવીઓ યથાવત છે.