/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/maxresdefault-90.jpg)
આજથી શરૂ થયેલા બીજા તબક્કાનાં શાળા પ્રવેશોત્સવમાં કેબિનેટ મંત્રી બિલિમોરા પહોંચ્યા હતા
રાજ્યભરમાં આજથી શઙેરી વિસ્તારની શાળાઓ માટેનો પ્રવેશોત્સવ શરૂ થયો હતો. જે સંદર્ભે નવસારી જિલ્લાના બિલિમોરા ખાતે કેબિનેટ મંત્રીની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો. જોકે આ તબક્કે બાળકો પાસેથી વજનદાર કેન ઉંચકાવી કામ કરાવવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી હતી. જેને લઈને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા તપાસનાં આદેશ આપી દેવામાં આવ્યા છે.
આજથી રાજ્યભરમાં શરૂ થયેલા બીજા તબક્કાનાં શાળા પ્રવેશોત્સવમાં નવસારી જિલ્લાનાં બિલિમોરા ખાતે આવેલી શાહ લાલચંદ મોતીચંદ મુખ્ય કુમાર શાળામાં પણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કેબિનેટ મંત્રી ઈશ્વર પરમાર હાજરી આપવા માટે ગયા હતા.
દરમિયાન શાળામાં વિદ્યાર્થીઓ માટે આવતા મધ્યાહન ભોજનનાં ભરેલા કેન વિદ્યાર્થીઓ પાસે ઉંચકાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ પાસેથી આવી કામગીરી લેવા સંદર્ભે ગંભીર હકીકત સામે આવી હતી. આ અંગે રૂટ સુપરવાઈઝરને પૂછતાં તેમણે આ બાબત શાળાની છે. તેના માટે અમે જવાબદાર નથી. અમારે તો બાળકોનું ભોજન શાળાઓમાં પહોંચાડવાનું હોય છે.
વાત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એમ.જી.વ્યાસ સુધી પહોંચતાં તેમણે જણાવ્યું હતું કે, આમ તો શાળામાં બાળકો અને શિક્ષકો સાથે મળીને કામ કરતા હોય છે. બાળકો પાસે કોઈ પ્રકારની મજૂરી કરાવવામાં આવતી નથી. પરંતુ જો કંઈ એવું બન્યું હશે તો તાત્કાલિક અસરથી તપાસ કરવામાં આવશે.
જ્યારે કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારે જણાવ્યું હતું કે, જોકે શાળામાં સામાન્ય સંજોગોમાં એવું બનતુ નથી. પરંતુ જો કદાચ આ પ્રકારનું કામ વિદ્યાર્થીઓ પાસે કરાવવામાં આવ્યું હશે તો ચોક્કચ તપાસ કરકાવીશું.