/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/05/4_1527059013.jpg)
પવિત્ર ગંગા કિનારે આવેલી કાશી નગરીની પાવન ધરતી ઉપર જવલ્લેજ લોકોને મોક્ષ પ્રાપ્ત થાય છે. ત્યારે પત્નીને લઇ જાત્રા કરવા નીકળેલા પંચમહાલ જિલ્લાના હાલોલના રહેવાસી બિપીનચંદ્ર પાઠકને કાશીની પાવન ધરતી ઉપર જાણે મોક્ષ મળ્યો છે. મંગળવારે કાશીવિશ્વનાથના દર્શન કર્યા બાદ મંદિર પરિસરમાં બિપીનચંદ્ર પાઠકને હ્રદયરોગનો હુમલો ઉપડતાં પત્નીના ખોળામાં જ તેમણે અંતિમ શ્વાસ લીધો હતો. આજે પરિવારજનોની ઉપસ્થિતીમાં ગંગા ઘાટ ઉપર તેઓના અંતિમ સંસ્કાર કરવામાં આવશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું.
પંચમહાલ જિલ્લાનાં હાલોલ સ્થિત અમીતાનગર સોસોયટીમાં રહેતા 65 વર્ષિય બિપીનચંદ્ર ગણપતરામ પાઠક ખાનગી કંપનીમાંથી નિવૃત્ત થયા બાદ પત્ની શંકુતલાબહેન સાથે સુખી જીવન વિતાવતા હતા. દીકરી રીન્કુના લગ્ન થઇ ગયા બાદ તેઓએ પ્રભુ ભક્તિ અને જાત્રા કરીને જિંદગી પસાર કરવાનું નક્કિ કર્યું હતું. બિપીનચંદ્ર સારૂ ગૃપ મળે તેઓની સાથે પત્નીને લઇ જાત્રા કરવા માટે નીકળી જતાં હતા. અગાઉ ચારધામની જાત્રા કરી આવેલા બિપીનચંદ્ર 15 દિવસ પહેલાં જ તેમના પત્ની શંકુતલાબહેન સાથે પુરૂષોત્તમ માસમાં દશહરાનું સ્નાન કાશીમાં ગંગા નદીમાં કરાવવા માટે સિનીયર સિટીઝન્સને લઇને જાત્રા કરવા જતી બસમાં ગયા હતા. અન્ય ધાર્મિક સ્થળો પુરા કરીને જાત્રાની બસ કાશી પહોંચી હતી. જ્યાં દશરહાનું યાત્રીકોએ સ્નાન કર્યું હતું. પવિત્ર ગંગા નદીમાં દશહરાનું સ્નાન કર્યા બાદ સોમવારે યાત્રીકો કાશીવિશ્વનાથના દર્શન કરવા માટે ગયા હતા.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2018/05/3_1527059011.jpg)
બિપીનચંદ્ર પત્ની શંકુતલાબહેન સાથે કાશીવિશ્વનાથ મહાદેવના દર્શન-અભિષેક કરીને બહાર આવતાં જ તેમને છાતીમાં દુઃખાવો શરૂ થયો હતો. જેથી બિપીનચંદ્ર મંદિર પરીસરમાં જ પત્નીનો હાથ પકડીને બેસી ગયા હતા. પત્નીએ પતિનું માથું પોતાના ખોળામાં લઇ છાતીમાં હાથ ફરાવવાનું શરૂ કર્યું હતું. પત્ની પતિને હોસ્પિટલમાં લઇ જવા માટે કોઇની મદદ માંગે તે પહેલાં પતિએ પત્નીના ખોળામાં અંતિમ શ્વાસ લઇ લીધો હતો.
કાશીવિશ્વનાથ મહાદેવ મંદિરના પરીસરમાં ખોળામાં જ અવસાન પામેલા પતિને જોઇ હૈયાફાટ રૂદન કરી રહેલી પત્નીને જોઇ સાથી યાત્રીકો તેમજ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. અને હૈયાફાટ રૂદન કરી રહેલા પત્ની શંકુતલાબહેનને લોકો પતિને કાશીમાં મળેલા મૃત્યુને મોક્ષ માણીને સાંત્વન આપ્યું હતું. તે બાદ સ્થાનિક પ્રશાસને હાર્ટએટેકથી મૃત્યુ પામેલા હાલોલના યાત્રીકને પોષ્ટમોર્ટમ માટે સ્થાનિક હોસ્પિટલમાં લઇ જઇ કાર્યવાહી હાથ ધરી હતી. બીજી બાજુ પતિના અવસાનની જાણ પત્નીએ હાલોલમાં રહેતી દીકરી રીન્કુ તેમજ તેમના વડોદરા ખાતે રહેતા પરિવારજનોને કરતા ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ હતી.