પૂર્વ કેબિનેટ મંત્રી અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સંસ્થાપક સભ્યોમાંથી એક જસવંતસિંહનું 82 વર્ષની વયે નિધન થયું છે. છેલ્લાં છ વર્ષથી તેઓ કોમામાં હતા. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નેતૃત્વવાળી સરકારમાં તેમણે 1996 થી 2004 દરમિયાન રક્ષા, વિદેશ અને નાણાં મંત્રાલયોની જવાબદારી સંભાળી હતી. 2014માં ભાજપે સિંહને બાડમેરથી લોકસભાની ચૂંટણી માટે ટિકિટ આપી ન હતી. ગુસ્સે ભરાયેલા જસવંત પાર્ટી છોડીને અપક્ષ તરીકે લડ્યા પણ હારી ગયા. તે જ વર્ષે તેમને માથામાં ગંભીર ઇજાઓ થઈ હતી ત્યારથી તેઓ કોમામાં હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સવારે લગભગ આઠ વાગ્યે ટ્વિટ કરીને જસવંતસિંહને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે લખ્યું કે જશવંત સિંહના રાજકારણ અને સમાજ પ્રત્યેના તેમના અનોખા દૃષ્ટિકોણ માટે યાદ કરવામાં આવશે. મોદી સિવાય રક્ષા મંત્રી રાજનાથસિંહે પણ સિંહના નિધન પર ટ્વીટ કર્યું છે.
રક્ષામંત્રી રાજનાથસિંહે લખ્યું કે ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ મંત્રી જસવંત સિંહના નિધનથી મને ખૂબ દુ:ખ થયું છે. તેમણે રક્ષા મંત્રી સહિત ઘણા મહત્વના હોદ્દા પર દેશની સેવા કરી હતી. મંત્રી અને સાંસદ તરીકેનો તેમનો કાર્યકાળ યાદગાર રહ્યો છે. જસવંત સિંહને તેમને તેમની બૌદ્ધિક ક્ષમતા અને દેશસેવાના શાનદાર રેકોર્ડ માટે યાદ કરવામાં આવશે. તેમણે રાજસ્થાનમાં ભાજપને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ દુ:ખની ઘડીમાં તેમના પરિવાર અને સમર્થકોના પ્રત્યે સંવેદનાઓ.