ભરૂચ : અંકલેશ્વરમાંથી પેપર લીક મુદ્દે દેખાવો કરી રહેલાં NSUIના કાર્યકરોની અટકાયત

New Update
ભરૂચ :  અંકલેશ્વરમાંથી પેપર લીક મુદ્દે દેખાવો કરી રહેલાં NSUIના કાર્યકરોની અટકાયત

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી તરફથી લેવામાં આવેલી એમ.કોમ -2ની પરીક્ષામાં એકાઉન્ટ  -11 વિષયનું પેપર લીક થવાના મુદ્દે અંકલેશ્વરની કકડીયા કોલેજના પ્રાધ્યાપક સામે આંગળી ચિંધાઇ રહી છે. પેપર લીક મામલે તપાસની માંગ સાથે કોલેજ ખાતે દેખાવો કરી રહેલાં એનએસયુઆઇના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

તારીખ 11મીના રોજ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સીટી તરફથી  M.Com - 2 એકાઉન્ટ - 11 ની પરીક્ષા લેવામાં આવી હતી.આ વિષયનું પેપર બે દિવસ પહેલાં જ સોશિયલ મિડીયામાં ફરતું થઇ ગયું હતું. પેપર લીક થવાના મુદ્દે એનએસયુઆઇને આંદોલનના મંડાણ કર્યા છે. દરમિયાન એકાઉન્ટ વિષયનું પેપર અંકલેશ્વરની કડકીયા કોલેજના પ્રાધ્યાપકે કાઢયું હોવાની વાત બહાર આવતાં તેમની સામે આંગળી ચિંધાઇ રહી છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના 1,200 જેટલા વિદ્યાર્થીઓએ આ વિષયની પરીક્ષા આપી હતી. પેપર લીક થવાના મામલે તપાસ કરી વિદ્યાર્થીઓને ન્યાય અપાવવામાં આવે તેવી માંગ સાથે એનએસયુઆઇના કાર્યકરો અંકલેશ્વરની કડકીયા કોલેજ ખાતે પહોંચ્યાં હતાં. દરમિયાન પોલીસને જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને દેખાવો કરી રહેલાં કાર્યકરોની અટકાયત કરી હતી. એનએસયુઆઇના જિલ્લા પ્રમુખ યોગી પટેલ,યુથ કોંગ્રેસના પ્રદેશ મંત્રી સોયેબ ઝગડીયાવાલા સહિત અજીતસિંહ સોલંકી, નિલરાજ ચાવડા, ઓસામા સિદ્દીકી, હેપ્પીન બારીયા સહિતના આગેવાનો અને કાર્યકરોને અટકાયત કરી પોલીસ સ્ટેશન લઇ જવાયાં હતાં.

Latest Stories