ભરૂચમાં માર્ગો ધોવાયા

શેરપુરા નજીકનો મુખ્યમાર્ગ ધોવાયો

વાહનો ખાડામાં પટકાયા

આસપાસની સોસાયટીઓમાં પાણી ભરાયા

સમસ્યાના નિરાકરણની માંગ

ભરૂચમાં ચોમાસાની શરૂઆત સાથે જ દહેજ બાયપાસ રોડ પર શેરપુરા નજીકનો મુખ્યમાર્ગ ધોવાઈ ગયો છે.રસ્તા પર પડેલા ખાડાઓમાં વાહન ચાલકો પટકાતા અકસ્માતની સંભાવનાઓ પણ વધી ગઈ છે

ભરૂચ શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે જ માર્ગોની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે. દહેજ બાયપાસ રોડ પર શેરપુરા નજીકનો મુખ્ય માર્ગ વરસાદના કારણે ધોવાઈ જતાં રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા છે.રસ્તા પર પડેલા ખાડાઓને કારણે નાના વાહનો ખાડામાં પટકાઈ રહ્યા છે, જેના કારણે અકસ્માતની આશંકા પણ વધી છે. વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને રોજિંદી અવરજવર જોખમી બની ગઈ છે.દહેજ બાયપાસ રોડ વાગરા તાલુકાના વિલાયત, સાયખા અને દહેજ GIDCને જોડતો મહત્વનો માર્ગ હોવાથી દરરોજ મોટી સંખ્યામાં વાહનો અહીંથી પસાર થાય છે. માર્ગ ધોવાઈ જતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

સ્થાનિકોએ સ્થળ પર પહોંચેલા અધિકારીઓનો ઉધડો લઈ તાત્કાલિક માર્ગનું સમારકામ કરવાની માંગ કરી હતી.સ્થાનિકોનું કહેવું છે કે જો સમયસર માર્ગનું સમારકામ નહીં કરવામાં આવે તો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. તેથી તંત્ર વહેલી તકે કાર્યવાહી કરી માર્ગને વાહનવ્યવહાર માટે સુરક્ષિત બનાવે તેવી માંગ ઉઠી છે.સ્થાનિકોના વિરોધના પગલે તંત્ર દ્વારા તાત્કાલિક મટીરિયલ મંગાવી યુદ્ધના ધોરણે સ્મરકામની કામગીરી શરૂ કરવામાં આવી હતી

આ તરફ રોડ ઊંચો થઈ જતા પાણીનો નિકાલ અટકી ગયો છે.જેના પગલે આસપાસની સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ભરાઈ રહેતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. પ્રતિવર્ષ ચોમાસામાં આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે તંત્ર દ્વારા સમસ્યાનો કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે