/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/11/08163404/maxresdefault-88.jpg)
ભરૂચ જિલ્લાના ભાડભુત નજીક આકાર લઇ રહેલાં વિયર કમ કોઝવેનો વિરોધ કરી રહેલાં માછીમારોનું ભાડભુત ગામમાં સંમેલન મળે તે પહેલાં જ પોલીસે આગેવાનોની અટકાયત કરી લીધી હતી. માછીમારોને સંમેલનમાં આવતાં રોકવા માટે ભાડભુત તથા આસપાસના વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો હતો.
ભાડભુત પાસે નર્મદા નદીમાં વિયર કમ કોઝવે સામે માછીમારો વિરોધ નોંધાવી રહયાં છે. માછીમારોનો આક્ષેપ છે કે, વિયર કમ કોઝવે બની જવાના કારણે દરિયામાંથી નદીમાં પ્રજનન માટે આવતી હિલ્સા માછલી બંધ થતાં માછીમારોની રોજગારી છીનવાય જશે. વિયર કમ કોઝવેના વિરોધમાં આગામી રણનિતિ ઘડી કાઢવા માટે રવિવારના રોજ ભાડભુત ગામ ખાતે સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજ દ્વારા નિર્ણય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. માછીમાર સમાજના આંદોલનના પગલે પોલીસ તંત્ર એકશનામાં આવી ગયું હતું. ભાડભુત તેમજ આસપાસના વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયો હતો. માછીમારો ભાડભુત ગામમાં પ્રવેશી ન શકે તે માટે ઠેર ઠેર પોલીસ પોઇન્ટ ઉભા કરી દેવામાં આવ્યાં હતાં. સંમેલનની શરૂઆતમાં નર્મદા મૈયાની આરતી કરવામાં આવી હતી. માછીમાર આગેવાનો સંમેલનને સંબોધિત કરે તે પહેલાં પોલીસની એન્ટ્રી થઇ હતી અને આગેવાનોની અટકાયત કરી લીધી હતી. આગેવાનોની અટકાયત બાદ એકત્ર થયેલાં માછીમારોને પણ વિખેરી નાંખવામાં આવ્યાં હતાં. માછીમાર સમાજે પોલીસની કામગીરીનો વિરોધ કરી આગામી દિવસોમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી આપી છે……