ભરૂચ:KJ ચોક્સી પબ્લિક લાયબ્રેરીમાં યોજાઈ સાહિત્ય અને સંગીતની 'મનગમતી સાંજ'

New Update
ભરૂચ:KJ ચોક્સી પબ્લિક લાયબ્રેરીમાં યોજાઈ સાહિત્ય અને સંગીતની 'મનગમતી સાંજ'

ભવ્ય ભરૂચની ભવ્ય કે. જે. ચોક્સી પબ્લિક લાઇબ્રેરી ખાતે ગઈકાલ તા. 11 મે ૨૦૧૯ની સાંજે બે બાલકલાકારો અને કવિગણોએ એ શનિવારની સાંજને મનગમતી સાંજ બનાવી દીધી હતી. શબ્દ અને સૂરની અનોની આ ‘મનગમતી સાંજ’ કે. જે. ચોક્સી પબ્લિકલાઇબ્રેરી અને મહેફિલના સંયુક્ત ઉપક્રમે યોજાઈ ગઈ. જેમાં રજૂ થયેલ કવિગણ પ્રમોદભાઈ પંડ્યા, શ્રીમતી કિરણબેન જોગીદાસ તથા ભાવિનભાઈ દેસાઈએ પોતાની આગવી શૈલીમાં ગઝલો, ગીતો અને અછાંદસ રચનાઓ રજૂ કરી ઉપસ્થિતોની દાદ મેળવી.

ચિ. કાન્હા બુચે "સાંજ પહેલાંની સાંજ ઢળી છે, શ્યામ હવે તો જાગો... " ગીત શાસ્ત્રીય રાગમાં ગાઈ સૂરોની સરવાણી રેલાવી હતી. જેમાં તેમને તબલાં પર સંગત આપી હતી ચિ. વશિષ્ઠ દવેએ. દેવેશભાઈ દવે, શ્રીમતી મનિષાબેન દવે અને સીમા પટેલે વિવિધ કર્ણપ્રિય તરજો પર સ્વરાંકન પામેલાં જાણ્યાંઅજાણ્યાં ગીતો-ગઝલોને પોતાના કંઠના કામણ થકી શ્રોતાજનો સુધી પહોંચાડ્યાં અને સંગીતમય માહોલ ઊભો કર્યો.

જેમાં કવિ મનોજ જોષીની ગઝલ "પાનખરોમાં પાન ખરે ને ઝાડનો આખો વાન ખરે..." તો એક સમા બાંધી દીધો અને ઉપસ્થિત શ્રોતાઓ ઝૂમી ઊઠ્યાં. સીમા પટેલે "રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં... " ગીત પોતાના સૂરીલા કંઠે ગાઈને સૌને રાધાકૃષ્ણના પ્રેમની યાદ અપાવી.

ભરૂચની કલાપ્રેમી જનતાએ મોટી સંખ્યામાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને સૂર અને શબ્દની સંગતમાં રહી મહેફીલની રંગત ઉજાગર કરી હતી. સમગ્ર કાર્યક્રમનું જાનદાર સંચાલન અંકુર બેંકરે કર્યું હતું.

Latest Stories