સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે લીલા દુષ્કાળ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુર પંથકના ખેડૂતોનું માનવું છે કે, પાક નિષ્ફળ જતાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલું સહાય પેકેજ એક લોલીપોપ સમાન છે.
રાજ્યભરમાં ભારે વરસાદના કારણે પાક નિષ્ફળ જતાં જગતનો તાત આર્થિક રીતે પાયમાલ બની ગયો છે. પાક નુકશાનીનો સર્વે ક્યારે મળશે તેની રાહ જોવી કે, બીજા પાક માટે ખેતર સાફ કરવું, ત્યારે હવે ખેડૂતો પાસે ખેતર સાફ કરાવવાની મજુરીના પૈસા પણ રહ્યા નથી. રાજકોટ જિલ્લાના જેતપુર પંથકના કેટલાય ખેડૂતોએ લાખોના ખર્ચે કપાસ અને મગફળીનું વાવેતર કર્યું હતું. પરંતુ કુદરત કોપાયમાન થતા ભારે વરસાદે ઉભા પાકનો સોથ વાળી દીધો છે.
જેતપુર તાલુકાના નવી સાંકળી ગામે અતિવૃષ્ટિના કારણે ઘણા ખેડૂતોએ કરેલ કપાસનો પાક નિષ્ફળ ગયો છે. વરસાદના કારણે કપાસનો પાક સંપૂર્ણ રીતે નાશ પામતા કાઢી નાખવામાં આવ્યો છે, ત્યારે અતિ વરસાદના કારણે ખેડૂતોને પડતા પર પાટુ જેવી હાલત થઈ છે. જેમાં હાલની પરિસ્થિતિમાં ખેડૂત દયનિય હાલતમાં મુકાઈ ગયો છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં રૂપિયા 3700 કરોડના સહાય પેકેજની યોજના બનાવી છે તે લોલીપોપ સમાન હોવાનું પણ ખેડૂતોનું માનવું છે. કારણે કે, વારંવાર સરકારમાં રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતની સહાય કે, પાકવિમો હજુ સુધી ખેડૂતોને ચૂકવવામાં આવ્યો નથી. જેથી સરકારે નિમેલા અધિકારીઓ દ્વારા વહેલીતકે સર્વે હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે.