/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/e44e8c2f-07f3-4b8c-bf07-e19e3811e8ad.jpg)
ભાજપનાં ૪ બળવાખોર સભ્યોનાં રાજીનામા પણ મંજુર કરી દેવાયા હતા
રાજપીપલા નગરપાલિકામાં આજે પ્રમુખ-ઉપપ્રમુખ માટેની ચૂંટણી યોજાયી હતી. ભારે નાટકીય વળાંકો બાદ ભાજપે સત્તા જાળવી રાખી છે. જીગીષાબેન ભટ્ટ પ્રમુખ પદે વિજયી થયા હતા. ભાજપનાં ૪ બળવાખોર સભ્યોનાં રાજીનામા મંજુર કરાયા હતા. જોકે આ સભ્યોએ દાવો કર્યો હતો કે અમે તો રાજીનામું નથી આપ્યુ. આ મામલે અમે હાઇકોર્ટનાં દ્વાર ખખડાવીશું. અને ન્યાય મેળવીને જ રહીશું.
રાજપીપલા નગરપાલિકાની અઢી વર્ષ માટે પ્રમુખ-ઉપપ્રમુખની ચુંટણી પહેલાંથી જ ચર્ચાસ્પદ બની છે. ભાજપનાં જ ચાર સભ્યો ભાજપથી છેડો ફાડવાનાં મૂડમાં હતા. જેથી ભાજપની સત્તા જવાના એંધાણ વર્તાયા હતા. જોકે આજે નાટકીય ઢબે ભાજપનાં આ ચાર સભ્યોના રાજીનામાં મંજુર થઇ ગયા હતા. તો બીજી તરફ આ સભ્યોએ રાજીનામું આપ્યુ જ નથી તેવું રટણ કર્યું હતું. 4 સભ્યોના રાજીનામાં મંજુર થઇ જતા આખરે ભાજપે એક અપક્ષ સભ્યનાં ટેકાથી ૧૩ વિરુધ્ધ ૧૧ મતોથી સત્તા મેળવી હતી. પ્રમુખ તરીકે જીગીશાબેન ભટ્ટ અને ઉપપ્રમુખ તરીકે સપનાબેન વસાવા ચુંટાઇ આવતાં તેમણે ચાર્જ સંભાળ્યો હતો.
ભાજપનાં અસંતુષ્ટ ૪ સભ્યો મતદાન પહેલાં આવ્યા ત્યારે તેમને ગેટ પર જ અટકાવતા સામસામે દલીલો ચાલી હતી. અને ત્યારે જ તેમને ખબર પડી હતી કે ૪ સભ્યોનાં રાજીનામાં મંજુર થઇ ગયા છે. આ સાંભળીને સભ્યો પણ સ્તબ્ધ થઇ ગયા હતા. જે સંદર્ભે તેમણે જણાવ્યું હતું કે, અમે કોઇ રાજીનામાં આપ્યા નથી. તો આ રાજીનામાં આવ્યા ક્યાંથી? અને પોલીસ સાથે પણ જીભાજોડી થઇ હતી. બાદમાં આ સભ્યોએ માંગ કરી હતી કે અમે બધાએ ૧૦ દીવસ પહેલા જિલ્લા કલેકટરને લેખીતમાં રજૂઆત આપીને જણાવ્યું હતું કે, જો અમારા બનાવટી રાજીનામાં ઉભા થઇ શકે છે. હવે છંછેડાયેલા ભાજપનાં અસંતુષ્ટ સભ્યો હાઇકોર્ટમાં જવાની પેરવી કરી રહ્યા છે.