સરકાર દેશના બંધારણ સાથે ચેડાં કરવાનો પ્રયાસ કરી રહી છે: એહમદ પટેલ

સરકાર દેશના બંધારણ સાથે ચેડાં કરવાનો પ્રયાસ કરી રહી છે: એહમદ પટેલ
New Update

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચાર વર્ષના શાસન બાદ કટોકટીની યાદ આવી છે

ગુજરાત કોંગ્રેસમાં સિનિયર-જુનિયર નેતાઓનો જૂથવાદ સપાટી પર આવ્યો છે, ભડકાની સ્થિતિ છે ત્યાં કોંગ્રેસના રાજ્યસભાના સભ્ય એહમદ પટેલ મંગળવારે અમદાવાદમાં એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ તબક્કે એહમદ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચાર વર્ષના શાસન બાદ કટોકટીની યાદ આવી છે. ૨૦૧૯માં ભાજપ લોકસભા ચૂંટણી હારવાની છે એટલે કટોકટીની યાદ આવી છે. કટોકટી બુઠ્ઠું થયેલું હથિયાર છે, ૨૦૧૯માં ભાજપની હાર નક્કી છે.

સત્તાના ૪ વર્ષ બાદ કેન્દ્ર સરકારે જનતા સમક્ષ કામગીરીનો હિસાબ આપવો જોઈએ. હજુ ચૂંટણીને ૮ મહિના બાકી છે ત્યારે ભાજપ અનેક હથકંડા અપનાવશે.રાજ્યસભાના સાંસદ એહમદ પટેલે કેન્દ્રની ભાજપ સરકાર પર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે, આ સરકાર દેશના બંધારણ સાથે ચેડાં કરવાનો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસ સત્તામાં ના આવે તે માટે ભાજપ ડરની રાજનીતિ રમે છે.

આજે ૨૧ રાજ્યોમાં ભાજપની સરકાર છે, પણ ગરીબ, દલિતો પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે. સરકાર નોટબંધી અને જીએસટીમાં વટહુકમ લઈ આવે છે તો એટ્રોસિટી એક્ટમાં કેમ વટહુકમ લાવવામાં આવતો નથી.તેમણે કહ્યું કે, દેશ અને દુનિયામાં વિભાજિત તત્ત્વો વધારે છે. જેમને મહેનત કરીને આગળ વધવું નથી તેમને બીજાના પગ ખેંચીને આગળ વધવું છે.

ચૂંટણી જીતવા માટે વિભાજનની રાજનીતિ રમતાં તત્ત્વોથી દૂર રહેવું જોઈએ. તેનાથી દેશ અને સમાજને મોટું નુકસાન થઈ રહ્યું છે. ભાજપે કટોકટીને યાદ કરવાના બદલે ચાર વર્ષના શાસનનો હિસાબ આપવો જોઈએ. જે તે વખતે ઈન્દિરા ગાંધીએ કટોકટી માટે દેશની માફી માગી હતી, એ પછી દેશે ફરી વાર તેમને સત્તા પર બેસાડયા હતા.

વર્ષ ૨૦૧૯માં કોંગ્રેસ અને સાથી પક્ષોની સરકાર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું કે, વડાપ્રધાન એક કલાક માટે જેલમાં ગયા હોય તેવું મને યાદ નથી. આ સરકારમાં ન્યાયતંત્ર અને એજન્સીઓનો દુરુપયોગ થઈ રહ્યો છે. પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપમાં પણ ઘટાડો કરી દેવાયો છે.

#Gujarat #India #News #Gujarati News #Ahmed Patel
Here are a few more articles:
Read the Next Article