/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/05135105/maxresdefault-52.jpg)
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના બળોલ અને હડાળા ગામ વચ્ચે આવેલા કોઝવે પર ઘસમસતા પાણીના પ્રવાહમાં રિક્ષા તણાઈ હતી, ત્યારે રિક્ષા સહિત 4 લોકો તણાઇ જતાં આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, લીંબડી તાલુકાના બળોલ અને હડાળા ગામ વચ્ચે આવેલા કોઝવે પર ઘસમસતા પાણીના પ્રવાહમાં અચાનક એક રિક્ષા તણાઈ ગઈ હતી. રિક્ષામાં સવાર 4 જેટલા લોકો પણ રિક્ષા સાથે પાણીમાં ગરક થયા હતા. બનાવની જાણ થતાં જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ઠેર ઠેર નદી નાળા અને જળાશયો છલકાયાં છે, ત્યારે બળોલ-હડાળા ગામ વચ્ચે આવેલ કોઝવે પર પાણી ફરી વળ્યુ હતું. સમગ્ર ઘટના અંગે દોડી આવેલા ગ્રામજનોએ 3 વ્યક્તિઓને બચાવી લીધા હતા, જ્યારે બનાવના કલાકો બાદ પણ તંત્રના કોઈ અધિકારી ઘટના સ્થળે નહીં ફરકતા પાણીમાં ગુમ થયેલ અન્ય એક મહિલાની સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ યથાવત રાખવામાં આવી હતી. જોકે કોઝવે ઉપર પાણી ફરી વળ્યુ હોવા છતાં રિક્ષા પસાર થતા સમગ્ર ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળ્યું હતું.