અરવલ્લી : મામલતદાર કચેરીઓના સફાઇકર્મીઓની દિવાળી બગડવાના એંધાણ

અરવલ્લી જિલ્લાની મામલતદાર કચેરીઓમાં કામ કરતાં સફાઇ કામદારોને આઠ મહિનાથી પગાર ન મળતા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકરને આવેદન પત્ર આપ્યું હતું. અરવલ્લી જિલ્લાના ધનસુરા, માલપુર, મોઘરજ, બાયડ, અને ભિલોડા તાલુકાની મામલતદાર કચેરીઓની સાફ-સફાઇ કરતા કર્મચારીઓની દિવાળી આ વખતે બગડે તેવા એંધાણ દેખાઇ રહ્યા છે. આવેદન પત્ર મુજબ આ તમામ તાલુકાઓમાં સફાઇ કામદારોને છેલ્લા આઠ મહિનાથી પગાર નથી થયો, જેને લઇને આ તમામ કર્મચારીઓના પરિવાર પર જાણે આભ તૂટી પડયું હોય તેવું લાગી રહ્યું છે.
ગુજરાત વાલ્મીકિ સંગઠનના પ્રમુખ લાલજી ભગતના જણાવ્યા મુજબ જિલ્લાની વિવિધ મામલતદાર કચેરીઓમાં અંદાજે બસો જેટલા સફાઇ કર્મચારીઓ કામ કરી રહ્યા છે.જોકે આતમામ કર્મચારીઓને તહેવાર સમયે જ પગાર ન થતાં પરિવારનું ગુજરાન કેમ ચલાવવું અને તહેવારની ઉજવણી કરવી કે નહીં તે ચિંતા સતાવી રહી છે. એટલું જ નહીં જો સફાઇ કામદારોનો પગાર નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચિંમકી પણ ઉચ્ચારવામાં આવી છે.