કરજણ સેવા સદનનો ઓપરેટર રૂપિયા ૨૪૦૦ની લાંચ લેતા ઝડપાયો

New Update
કરજણ સેવા સદનનો ઓપરેટર રૂપિયા ૨૪૦૦ની લાંચ લેતા ઝડપાયો

સ્ટેમ્પની શોર્ટેજનો લાભ લઇ ઓપરેટરે લાંચની માંગણી કરી

Advertisment

વડોદરા જિલ્લાના કરજણ સેવા સદન ખાતે સબ રજિસ્ટ્રારની કચેરીમાં હંગામી કમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતા નકુલ પરમારને વડોદરા લાંચ રૂશ્વત વિરોધી શાખાએ રૂપિયા 2400ની લાંચ લેતા ઝડપી પાડ્યો હતો. સ્થાનિક લોકોએ આક્ષેપ મુક્યો છે કે, કરજણ સેવા સદનમાં પૈસા આપ્યા વિના કોઇ કામગીરી થતી નથી. આ કચેરીમાં ભ્રષ્ટાચારે માઝા મુકી દીધી છે.

કરજણ સેવા સદનમાં સબ રજિસ્ટ્રારની ઓફિસમાં દસ્તાવેજના કામ માટે અણસ્તુ ગામના દિનેશભાઇ પટેલ આવ્યા હતા. દસ્તાવેજ ઉપર ટિકીટો લગાવવાની હતી. આથી તેઓએ ટિકીટો મેળવવા માટે હંગામી કમ્પ્યુટર ઓપરેટરને મળ્યા હતા. તેઓએ ટિકીટ માટે રૂપિયા 2400ની માંગણી કરી હતી. દિનેશભાઇ લાંચની રકમ આપવા માંગતા ન હતા. આથી તેઓએ વડોદરા એ.સી.બી.નો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે એ.સી.બી.એ. છટકુ ગોઠવી કમ્પ્યુટર ઓપરેટર નકુલ પરમારને ફરિયાદી પાસેથી રૂપિયા 2400ની લાંચ લેતા ઝડપી પાડ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે થોડા સમયે પહેલાં એક મહિલા કમ્પ્યુટર ઓપરેટરને લાંચ માંગવાના ગુન્હામાં સસ્પેન્ડ કરવામાં આવી હતી. બાદમાં આ યુવતીને કરજણમાં આવેલા એક મંત્રીની ભલામણથી પરત લેવામાં આવી હતી. જે યુવતી આજે પણ ઓપરેટર તરીકે નોકરી કરી રહી છે. જે આજે નકુલ પરમાર લાંચ લેતા ઝડપાયા બાદ ચર્ચાનો વિષય બની હતી.

Advertisment