/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/28144824/maxresdefault-455.jpg)
ખેડા જિલ્લાના મહેમદાવાદ નજીક કનીજ ગામે મેશ્વો નદીના પટ પર આવેલ અઘોરી આશ્રમમાં રાતવસો કરતાં 3 સેવકો પર અજાણ્યા ઇસમોએ હુમલો કર્યો હતો. જેમાં ગંભીર ઇજાના પગલે એક સેવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસે હત્યાનો ગુન્હો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
કનીજ ગામે મેશ્વો નદીના કિનારે આવેલ અઘોરી આશ્રમમાં રાતવસો કરવા માટે રોકાયેલ સંજયભાઈ, મહેન્દ્રસિંહ અને બહાદુરસિંહ પર કેટલાક અજાણ્યા ઈસમોએ લાકડી અને તિક્ષ્ણ હથિયારથી હુમલો કરી ગંભીર ઈજા પહોચાડી હતી. જેમાં ત્રણ ઇજાગ્રસ્ત પૈકી બહાદુરસિંહનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે લોકોને હાથે અને પગે ઈજા પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
સમગ્ર બનાવની જાણ પોલીસને થતાં મહેમદાવાદ પોલીસ, એલસીબી અને એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. રાત્રીના લગભગ 12 વાગ્યાના સુમારે અઘોરી આશ્રમમાં લાઇટની મેઈન સ્વીચ બંધ કરીને કરાયેલ હુમલા પાછળનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. હાલ પોલીસે આ અંગે હત્યાનો ગુન્હો નોંધી આરોપીઓને વહેલી તકે ઝડપી લેવા શોધખોળ શરૂ કરી છે.