/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/maxresdefault-369.jpg)
ગોધરા શહેરના વિવિધ વિસ્તારોમાં નગર પાલિકા તંત્ર દ્વારા શરૂ કરેલી સીટી બસ હવે શાળાએ જતા બાળકોને પણ ઉપયોગી બનશે. દરેક સમાજના અગ્રણીઓ અને વાલીઓની રજૂઆતના પગલે ગોધરા નગર પાલિકાના મુખ્ય અધિકારી અને પ્રમુખ દ્વારા બાળકોની સલામતીના ભાગરૂપે નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
તાજેતરમાં અમદાવદમાં ચાલુ સ્કૂલ વાનમાંથી બાળકો પડી જવાની ગંભીર ઘટનાના પગલે સમગ્ર રાજ્યમાં પોલીસ અને આરટીઓ તંત્ર હરકતમાં આવ્યું હતુ. સ્કૂલ વાહનોનું ચેકીંગ કરી જરૂરી દંડકીય કાર્યવાહી તેમજ વાહનો ડિટેઇન કરી નિયમો સમજાવવામાં આવ્યા હતા.
ગોધરા શહેરમાં પણ વહેલી સવારે શાળાના સમયગાળા દરમ્યાન સીટી ટ્રાફિક પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધર્યું હતું અને જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. જેના કારણે વાહન ચાલકોમાં ફફડાટ ફેલાવા પામ્યો હતો.
ગોધરા નગર પાલિકા સંચાલિત હાલ શહેરમાં સીટી બસ સેવા કાર્યરત છે અને વિવિધ વિસ્તારોમાં મુસાફરોનું વહન કરે છે .જે બસ હવે શાળાએ જતા બાળકોને પણ ઉપયોગી બનશે .
નગર પાલિકા તંત્રએ આ સીટી બસને બાળકોની સલામતીના ભાગરૂપે વિદ્યાર્થીઓને લાવવા લઈ જવા માટે ઉપયોગમાં લઈ શકાય તે માટે નિર્ણય લીધો છે. આ સીટી બસમાં પ્રતિ બાળક દીઠ રૂપિયા માસિક ૨૫૦/- ભાડા પેટે વસુલવામાં આવશે. આ બસ સેન્ટ આર્નોલ્ડ સ્કૂલના વિદ્યાર્થી ઓને શહેરના વિવિધ વિસ્તારોમાંથી લાવવા લઈ જવા માટે ઉપયોગી બનનાર હોવાનું નગર પાલિકાના ઈન્ચાર્જ હેડ મેકેનીક અને સિનિયર સેનેટરી ઈન્સ્પેક્ટર મુકેશભાઈ પટેલ સાથે વાતચીત દરમ્યાન જાણવા મળ્યું હતું અને શાળાના સમયને બાદ કરતા આ સીટી બસ ગોધરાના વિવિધ વિસ્તારોમાં મુસાફરોને લાવવા લઈ જવા માટે કાર્યરત રહેનાર હોવાનું પણ જણાવ્યું હતું.