/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/vv-1.jpg)
ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન થયેલ વરસાદને કારણે જાહેર માર્ગોને ભારે નુક્શાન થવા પામ્યું છે. જેને ધ્યાને લઈને રાજ્ય સરકારે પ્રજાજનોને સ્પર્શતા આ પ્રશ્ને ત્વરિત નિર્ણય લઈને આવા માર્ગોના મરામતની કામગીરી હાથ ધરી છે.
તાપી જિલ્લામાં થયેલ માર્ગોના નુક્શાનને ધ્યાને લઈને, જિલ્લા કલેકટર આર.જે.હાલાણીના માર્ગદર્શન મુજબ, જિલ્લાના માર્ગ અને મકાન વિભાગે જિલ્લાના માર્ગોની સુધારણાનું કામ હાથ ધર્યું છે. તાપી જિલ્લામાં બન્ને વિભાગોના મળી કુલ ૧૭૨૨.૯૮ કિમીના માર્ગો આવેલ છે. જે પૈકી ચોમાસા દરમિયાન ૨૧૫.૧૦ કિમી લંબાઈના વિવિધ માર્ગોને ભારે વરસાદને કારણે નુકશાન પહોચવા પામ્યું છે, જેને યુદ્ધના ધોરણે દુરસ્ત કરવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનિય છે કે, રાજ્ય સરકારે જનહિતલક્ષી નિર્ણય લેતા, આ વર્ષે અતિભારે વરસાદથી નુકશાન પામેલ માર્ગોની મરામત માટે મુખ્યમંત્રી સડક યોજના અન્વયે બિસ્માર માર્ગોની મરામત માટેનો નિર્ણય કર્યો છે. જે અન્વયે રાજ્યમાં હાથ ધરાયેલા માર્ગ મરામતના કામો પૈકી, તાપી જિલ્લામાં પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે સમારકામો શરૂ કરાયા છે. ભારે વરસાદને કારણે માર્ગો પર ખાડા પડવા, ધોવાણ થઇ જવું જેવા કારણોસર આવા માર્ગોનું રિસરફેસીંગ–રીપેરીંગ કરવું આવશ્યક બની ગયું છે. જેને લઇને રાજ્ય સરકાર દ્વારા ત્વરિત કામગીરી હાથ ધરવામાં આવી છે.