/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/11/Dahod.jpg)
નાણાંકીય લેવડ-દેવડમાં સહકર્મીએ જ પતાવી દીધા
દાહોદમાં દર્પણ રોડ પર રહેતા માતા-પુત્રી ગત ૧૭ તારીખથી ગુમ થઇ ગયાં હતાં. તે પૈકી પુત્રી એન્જલનો મૃતદેહ લીમખેડામાં હડફ નદીમાંથી મળી આવ્યો હતો, જેથી રોષે ભરાયેલાં પરિવારજનોએ પોલીસ મથકે ભારે હોબાળો મચાવ્યો હતો. ત્યાર પછી પોલીસે શકમંદો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. છેવટે માતા નંદાબેનનો મૃતદેહ શકમંદ દપંતીના ઘરની ટાંકીમાંથી જ મળતાં ચકચાર મચી ગઈ છેે. હાલ પૈસાની લેવડ દેવડ મામલે નંદાબેનની ગળું દબાવી હત્યા કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
દાહોદમાં દર્પણ સિનેમા રોડ પર રહેતાં નંદાબેન અને તેમની દત્તક પુત્રી ચારીખ તા.૧૭ નવેમ્બરના રોજ ઘરેથી આશરે ૬:૧૫ વાગ્યાના અરસામાં નીકળ્યાં હતાં. ત્યાર બાદ તેઓ ઘરે પરત ન આવતાં પરિવારજનોએ શોધખોળ શરૃ કરી હતી, પરંતુ કોઇ ભાળ ન મળતાં છેવટે તા.૧૯ નવેમ્બરના રોજ પોલીસે જાણવા જોગ ગુમ થયાંની નોંધ કરી તપાસ શરૃ કરી હતી. તા.૨૩ નવેમ્બરના રોજ બાળકી એન્જલનો મૃતદેહ હડફ નદીમાંથી મળી આવતાં ઘટનામાં નવો વળાંક આવ્યો હતો.
પોલીસે શકમંદ આરોપી દિલીપ ભાભોર અને તેની પત્ની મંજૂ ભાભોરની કડકાઇથી પૂછપરછ કરતાં છેવટે દિલીપ ભાભોર, મંજૂ ભાભોર અને સાગરિત રોહિત સંગાડાએ જ નાણાંની લેવડ દેવડમાં નંદાબેન અને તેમની દત્તક પુત્રી એન્જલની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. નંદાબેનની ગળું દબાવી હત્યા કરી મૃતદેહ ઘરની ટાંકીમાં જ છુપાવી રાખ્યો હોવાનું જણાવતાં મૃતદેહ બહાર કાઢી આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસ દિલીપ, મંજૂ અને રોહિત સાથે વિવિધ રીતે પૂછપરછ કરી રહી છે.
નંદાબેન તળાવ ફળિયામાં આવેલી આંગણવાડી-૧માં નોકરી કરતાં હતાં. તેવી જ રીતે મંજૂ પણ આંગણવાડી કાર્યકર હતી. એક વર્ષથી સંબંધો ગાઢ થઇ ગયાં હતાં. તેઓ અમદાવાદથી કપડાં લાવી ભાગીદારીમાં ધંધો પણ કરતાં હતાં. નંદાબેને છેલ્લો ફોન ૧૭ તારીખે સાંજે મંદિરને તાળું મારવા માટે છેલ્લો ફોન પાડોશી યુવકને કર્યા હતો અને જણાવ્યું હતું કે, મારી બહેનપણીનાં ઘરે છું, મોડું થશે. બીજા દિવસે પણ નંદાબેન અને બાળકી ન આવતાં યુવકે નંદાબેનનાં ફોન પર કોલ કરતાં બે રિંગ વાગ્યા પછી કોઇકે રોંગ નંબર કહીને ફોન મૂકી દીધો હતો અને ત્યારથી ફોન બંધ હતો.