દેડીયાપાડા : એક શાળા કે જયાં ભુખ્યા આવતા બાળકો માટે કરાઇ છે અલાયદી વ્યવસ્થા

આદિવાસી બાહુલ્ય ધરાવતાં નર્મદા જિલ્લાના દેડીયાપાડા ખાતે આવેલી એ.એન. બારોટ વિદ્યાલયમાં સ્થાનિક ઉપરાંત આસપાસના ગામડાઓમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવે છે. શાળામાં હાલ 1,400 કરતાં વધારે વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. મોટા ભાગના વિદ્યાર્થીઓ શાળાએ આવવા માટે વહેલી સવારે તેમના ઘરેથી નીકળી જતાં હોય છે.
ગરીબ હોવાથી તેઓ નાસ્તો કર્યા સિવાય જ શાળાએ આવે છે. શાળામાં ભૂખ્યા પેટે આવતા વિદ્યાર્થીઓમાં પહેલાં ચક્કર અને તાવ સહિતની ફરીયાદો રહેતી હોય છે. આ ઉપરાંત બાળકો બહાર મળતો બિન આરોગ્યપ્રદ ખોરાક ખાઇ પેટનો ખાડો પુરતાં હોય છે. આ સમસ્યાના નિરાકરણ માટે શાળા દ્વારા એક નવતર અભિગમ શરૂ કરવામાં આવ્યો છે.
શાળાના શિક્ષકોએ ભેગા મળી યથા યોગ્ય ફાળો એકત્ર કરીને શાળામાં વિદ્યાર્થીઓને ગરમા ગરમ ખીચડી આપવાનું નક્કી કરવામાં આવ્યુ. શિક્ષકો દ્વારા શરૂ કરાયેલ આ સેવાકાર્યને ખૂબ સારો પ્રતિસાદ મળેલ છે..વિદ્યાર્થીઓને માત્ર 5 રૂમાં ખીચડી, બટાકા પૌઆ, સેવ ઉસળ સહિતનું ભોજનમાં આપવામાં આવે છે. જેનો લાભ શાળા ના 250 થી 300 વિદ્યાર્થીઓ લઇ રહ્યા છે. શિક્ષક નિલેશભાઈ વસાવા જણાવે છે કે છેલ્લા 2 મહિનાથી આ વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં શાળાના આચાર્ય યોગેશભાઈ ભાલાની સહીતનો સ્ટાફ જહેમત ઉઠાવી રહયાં છે. વિદ્યાર્થીઓને રાહતદરથી ભોજન મળી રહયું હોવાથી તેમનું સ્વાસ્થય પણ સારૂ રહે છે અને અભ્યાસ પર સારી રીતે ધ્યાન કેન્દ્રીત કરી શકે છે.