/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/09/Former-IPS-officer-Sanjiv-Bhatt.jpg)
પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટની 22 વર્ષ જૂના કેસમાં ધરપકડ થઈ છે
પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટની ધરપકડ બાદ પાલનપુર કોર્ટે 22 વર્ષ જૂના કેસમાં તેમને રિમાન્ડ પર સોંપવાનો ઇન્કાર કર્યો હતો. આ સમગ્ર મામલે રાજ્ય સરકારે હાઇકોર્ટ સમક્ષ ધા કરી છે. સરકારે કરેલી રિટમાં એવું જણાવ્યું છે કે,‘આ સમગ્ર મામલે યોગ્ય તપાસ માટે આરોપીની કસ્ટોડિયલ તપાસ કરવી આવશ્યક છે.’આ કેસમાં હવે આજે વધુ સુનાવણી હાથ ધરાય તેવી શક્યતા છે.
આ કેસની વિગતો એવી છે કે, પાલનપુરમાં 22 વર્ષ પહેલા એક વ્યક્તિને અફીણના ખોટા કેસમાં ફસાવી દેવાના મામલે ધરપકડ કરાયેલા પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટને રિમાન્ડ પર મેળવવા માટે સરકારે હાઇકોર્ટમાં રિટ કરી છે. જેમાં સરકાર તરફે એવી રજૂઆત કરવામાં આવી હતી કે,‘પોલીસ દ્વારા મેજિસ્ટ્રેટ સમક્ષ 18 જેટલા કારણો રજૂ કર્યા હતા. અફીણ કોણે પ્લાન્ટ કર્યું. તે કોણ લાવ્યું તેની પણ તપાસ કરવાની છે. બનાસકાંઠાના તત્કાલીન ડીએસપી ભટ્ટે અફીણના કેસમાં ફસાવેલા આરોપીને એવી ધમકી આપી હતી કે, જો તે તાબે નહીં થાય તો અફીણનો મોટો જથ્થો બતાવી તેને ફસાવી દેવામાં આવશે. તો તેમની પાસે અગાઉ કેટલો જથ્થો હતો તેની પણ તપાસ કરવાની છે.
આરોપી પાલી ખાતે રહે છે તેટલી જ માહિતી હતી અને કુટરમલ એટલી જ માહિતી હતી તો પોલીસ સીધા તેના ઘર સુધી કઇ રીતે પહોંચી તે પણ તપાસ કરવાની છે. આરોપીઓ વચ્ચેના ફોન કોલ્સના સીડીઆર પણ સ્પષ્ટ કરે છે. આ તમામ બાબતોની તપાસ માટે ભટ્ટની પોલીસ કસ્ટડીમાં હાજરી આવશ્યક છે. તેથી તેને રિમાન્ડ પર સોંપવો જોઇએ. બીજી તરફ ભટ્ટ તરફથી એવી રજૂઆત કરાઇ હતી કે,‘આરોપીને રિમાન્ડ પર ન સોંપવાનો નીચલી અદાલતનો નિર્ણય યોગ્ય છે.’