બનાસકાંઠા : અંબાજીમાં અકસ્માતના કલાકો પહેલા ડ્રાયવરે બનાવ્યો હતો વીડીયો

અંબાજીના ત્રિશુળીયા ઘાટ પાસે લકઝરી બસ પલટી મારી જતાં આણંદ જિલ્લાના 21થી વધુ લોકોના મોત થયાં છે જયારે 50થી વધારે ઘાયલ થયાં છે. હાલમાં લકઝરી બસના ડ્રાયવરનો વીડીયો વાઇરલ થઇ રહયો છે. જો કે આ વિડીયો અકસ્માતના કલાકો પહેલા બનાવાયો હોવાનું પોલીસે જણાવ્યું છે.
અંબાજીના ત્રિશુળીયા ઘાટ પાસે થયેલા ગમખ્વાર અકસ્માતે સૌના કાળજા કંપાવી દીધાં છે. અકસ્માતના બે દિવસ બાદ લકઝરી બસના ડ્રાયવર મુનીર વોરાનો એક વીડીયો વાઇરલ થયો છે. જેમાં તે બસનું ડ્રાઇવીંગ કરતી વેળા વીડીયો બનાવી રહયો છે. આ વીડીયો લેવા જતાં અકસ્માત થયો હોવાની વાતો વહેતી થઇ છે પણ પોલીસે આ બાબતે રદિયો આપ્યાં છે. પોલીસના જણાવ્યા અનુસાર ડ્રાયવરે આ વીડીયો હિમંતનગરથી ખેડબ્રહમા જતી વેળા બનાવ્યો હતો અને અકસ્માત અંબાજીથી પરત ફરતી વેળા થયો હતો. અંબાજીથી પરત આવતી વેળા ઢાળ ઉતરતી વેળા બસની બ્રેક ફેઇલ થઇ જતાં તેણે બસને રોકવા માટે પથ્થર સાથે અથાડવાનો પ્રયાસ કર્યો હતો પણ બસ રેલીંગ સાથે ટકરાઇને પલટી માારી હોવાની કેફિયત ડ્રાયવરે રજૂ કરી છે. ડ્રાયવર ઇજાગ્રસ્ત હોવાથી હાલ સારવાર હેઠળ છે.