Connect Gujarat
દેશ

મહારાષ્ટ્ર : શું ઉદ્ધવ ઠાકરે બહુમત સાબિત કરી શકશે? આજે થઈ શકે છે ફ્લોર ટેસ્ટ

મહારાષ્ટ્ર : શું ઉદ્ધવ ઠાકરે બહુમત સાબિત કરી શકશે? આજે થઈ શકે છે   ફ્લોર ટેસ્ટ
X

ઉદ્ધવ ઠાકરેએ ગુરૂવારે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. મહારાષ્ટ્રના 18માં મુખ્યમંત્રી બન્યા બાદ આજે ઉદ્ધવ ઠાકરે માટે મહત્વનો દિવસ છે. મહારાષ્ટ્રમાં આજે બહુમત પરીક્ષણ થશે. જેમાં મહારાષ્ટ્ર વિકાસ અઘાડીની સરકારે વિશ્વાસ મત સાબિત કરવો પડશે. રવિવારે સ્પીકરની ચૂંટણી થશે જ્યારે સોમવારે રાજ્યપાલનું અભિભાષણ થશે.

શિવેસના-એનસીપી અને કૉંગ્રેસ પાર્ટી 162 ધારાસભ્યોના સમર્થનનો દાવો કરી રહી છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં બહુમત સાબિત કરવા માટે 145ના જાદુઇ આંકડા સુધી પહોંચવું પડશે. એટ્લે મિનિમમ 145 ધારાસભ્યોનું સમર્થન જોઈશે. મહારાષ્ટ્ર વિધાનસભામાં કુલ 288 બેઠકો છે.

વિધાનસભા ચૂંટણીમાં શિવસેનાને 56, કૉંગ્રેસને 44 અને એનસીપીને 54 બેઠકો મળી છે. ત્રણેય પક્ષોના આંકડાને જોડવામાં આવે તો 154 થાય છે. એટલે કે ત્રણેય પક્ષો મળી સરળતાથી બહુમતી સાબિત કરી શકે છે. જ્યારે કેટલાક નાના પક્ષોએ પણ મહા વિકાસ અઘાડીને સમર્થન આપ્યું છે.

ભાજપ 105 બેઠકો સાથે રાજ્યની સૌથી મોટી પાર્ટી બની હતી. ભાજપે શિવસેના સાથે મળી ચૂંટણી લડી હતી પરંતુ બંને પક્ષો વચ્ચે સીએમ પદને લઈને ટકરાર થતાં બંનેના વર્ષો જૂના ગઠબંધનનો અંત આવ્યો હતો. રાજ્યપાલે જ્યારે સરકાર બનાવવા ભાજપને આમંત્રણ આપ્યું ત્યારે તેમણે કહ્યું તેમની પાસે સંખ્યા નથી. પરંતુ નાટકીય ઘટનાક્રમ વચ્ચે 23 નવેમ્બરે અજિત પવારે દેવેંદ્ર ફડણવીસને સમર્થન આપી દિધુ હતું. બાદમાં સવારે આઠ વાગ્યે દેવેંદ્ર ફડણવીસએ મુખ્યમંત્રી અને અજિત પવારએ ઉપ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા.

ત્યાર બાદ આ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. જ્યાં કોર્ટે ભાજપને બહુમત સાબિત કરવા 30 કલાકનો સમય આપ્યો હતો. જો કે ભાજપ સદનમાં વિશ્વાસ મત હાંસિલ કરે એ પહેલા જ 26 નવેમ્બરના બપોરે અજિત પવારે ઉપ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું. બાદમાં દેવેંદ્ર ફડણવીસે પણ રાજ્યપાલને રાજીનામું સોંપી દિધુ હતું. આ રીતે આશરે 80 કલાકમાં જ ફડણવીસની સરકાર પડી ગઈ હતી.

Next Story