વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા ટ્યુશન ક્લાસોમાં ફાયર સેફ્ટીના અમલ માટે કાર્યવાહી શરૂ

New Update
વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા ટ્યુશન ક્લાસોમાં ફાયર સેફ્ટીના અમલ માટે કાર્યવાહી શરૂ

સુરતમાં ટ્યુશન ક્લાસમાં લાગેલી આગની ઘટના બાદ વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા ટ્યુશન ક્લાસોમાં ફાયર સેફ્ટીના અમલ માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની કાર્યવાહી દરમિયાન નાના-મોટા ચાલતા ૫૦૦૦ જેટલા ટ્યુશન ક્લાસો હોવાનું બહાર આવ્યું હતું. જે પૈકી ૧૬૦૦ ટ્યુશન ક્લાસ સંચાલકોએ ફાયર સેફ્ટીની એન.ઓ.સી. માટે અરજી કરી છે.

ફાયર બ્રિગેડના વગદાર સુત્રોમાંથી મળેલી સુરતમાં ટ્યુશન ક્લાસમાં આગ લાગવાની બનેલી ઘટના બાદ વડોદરાના ટ્યુશન ક્લાસો, શોપિંગ મોલ, કોમર્શિયલ બિલ્ડીંગો વિગેરમાં ફાયર સેફ્ટી અંગે કાર્યવાહી કરવામાં આવી હતી. અને નોટિસો આપવામાં આવી હતી. તપાસ દરમિયાન વડોદરામાં ૫૦૦૦ જેટલા નાના-મોટા ટ્યુશન ક્લાસો હોવાનું જણાઇ આવ્યું છે. જે પૈકી ૮૦ ટકા ટ્યુશન ક્લાસો ઘરમાં ચાલતા હોવાની ચોંકાવનારી વિગતો ધ્યાનમાં આવી છે.

ફાયર બ્રિગેડની કાર્યવાહી બાદ ૧૬૦૦ જેટલા ટ્યુશન ક્લાસ સંચાલકોએ ફાયર સેફ્ટીની એન.ઓ.સી. માટે અરજી કરી હતી. જે પૈકી ૨૫૦ જેટલા ટ્યુશન ક્લાસ સંચાલકોને એન.ઓ.સી. આપી દેવામાં આવી છે. ૧૬૦૦ અરજદારોમાં પણ મોટા ભાગના મોટા ટ્યુશન ક્લાસ સંચાલકો ઘરમાંજ ટ્યુશન ક્લાસ ચલાવતા હોવાથી એન.ઓ.સી. આપવામાં આવી નથી. જે બાબતે કોર્પોરેશન પાસે અભિપ્રાય માંગવામાં આવ્યો છે.

સોસાયટી-પોળ વિસ્તારમાં ઘરોમાં ચાલતા ટ્યુશન ક્લાસો અંગે અનેક નનામી અરજીઓ આવી છે. જે અરજીઓ અંતર્ગત ફાયર બ્રિગેડ દ્વારા તપાસ પણ કરવામાં આવે છે. પરંતુ, કેટલાંક ઘરમાં ચાલતા ટ્યુશન ક્લાસના સંચાલકોનું ગુજરાન ટ્યુશન ક્લાસ પર ચાલતું હોવાનું જણાઇ આવ્યું છે. એ તો ઠીક એક રૂમ-રસોડાના મકાનમાં પણ ટ્યુશન ક્લાસ ચાલતા હોવાનું ધ્યાનમાં આવ્યું છે. આ ક્લાસો સામે શું કાર્યવાહી કરવી તે પણ એક પ્રશ્ન છે. છતાં, ફાયર બ્રિગેડ દ્વારા તેઓને નોટિસો આપીને પોતાની કામગીરી પૂરી કરે છે.