વડોદરા : હેલ્મેટ પહેર્યા વિનાના બાઇક સવારે 500 રૂા.નો દંડ બચાવવા બે જીંદગી મુકી જોખમમાં

રાજયમાં પહેલી નવેમ્બરથી ટ્રાફિકના નવા કાયદાનો અમલ
શરૂ કરી દેવાયો છે ત્યારે દંડની માતબર રકમથી બચવા માટે વાહનચાલકો અવનવા કિમીયા
અજમાવી રહયાં છે. વડોદરામાં પોલીસ કાર્યવાહીથી બચવા માટે એક બાઇક ચાલક ટ્રાફિક
પોલીસના જવાનને 30 ફૂટ
સુધી ધસડી ગયો હતો.
રાજયમાં ટ્રાફિકનો નવો કાયદો અમલમાં આવી ગયો છે અને દ્રી ચક્રી વાહન ચલાવતી વેળા હેલમેટ પહેરવો ફરજિયાત છે. હેલમેટ નહિ પહેરનારા વાહનચાલકો પોલીસથી બચવા માટે પોતાનો તથા ફરજ પર હાજર પોલીસ જવાનોનો જીવ જોખમમાં મુકી દેતાં હોય છે. વડોદરા શહેરમાં આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. આપ જે દશ્યો જોઇ રહયાં છો તે વડોદરાની નરહરી હોસ્પિટલ પાસે આવેલાં ક્રોસિંગના છે. કમાટીબાગની પાછળના ભાગના રસ્તા પરથી એક બાઇકસવાર હેલમેટ પહેર્યા વિના આવી રહયો છે.
ફરજ પર હાજર ટ્રાફિક પોલીસની નજર પડતાં તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. બાઇક સવાર યુવાને પોલીસની પકડમાંથી બચવા માટે બાઇક આમતેમ વાળી પણ સફળતા ન મળી. આખરે બાઇક સવારે યુ ટર્ન લઇને ભાગવા જતાં પોલીસ કોન્સટેબલ પણ હિમંત ન હાર્યો અને બાઇકને પાછળથી પકડી રાખી. બાઇક ચલાવી રહેલો યુવાન કોન્સટેબલને 30 ફૂટ સુધી ધસડી ગયો અને તેમાં કોન્સટેબલને થાપા તેમજ ઘુંટણના ભાગે ઇજા પહોંચી. ઘટનાની જાણ થતાં સયાજીગંજ પોલીસે યુવાનની અટકાયત કરી તેની બાઇક ડીટેઇન કરી લીધી છે. માત્ર 500 રૂપિયાનો દંડ બચાવવા માટે યુવાને પોતાની તથા પોલીસ જવાનની જીંદગી જોખમમાં મુકી દીધી હતી.