/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/0ea3fb1f-cf39-4c8d-a819-8df6ac41790d.jpg)
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાથી થાનગઢ જવાના માર્ગ ઉપર ૬ કી.મી.ના અંતરે વાયવ્ય દિશા તરફ ૧૦મી સદીના સ્થાપત્ય અને ઇતિહાસના સંઘરને વરેલું શિવ મંદિર હાલ અત્યંત જર્જરિત અવસ્થામાં શિલ્પકળાના પ્રેમીઓને મૂક સાદ કરાવે છે.
પંચાળની પવિત્ર ભૂમિમાં માંડવ વનની મધ્યે આવેલ મુનિના દેવળથી વિખ્યાત શિવ મંદિર આવેલ છે. બાબરીયા તળાવની ટેકરી ઉપર ૧૦મી સદીમાં બંધાયેલ સોલંકી કાલીન શિવ મંદિરની સ્થાપના કરવામાં આવી છે. સરોવર કિનારો, ગાઢ જંગલ અને ટેકરી ઉપર આવેલ આ મંદિરનો નઝારો દર્શનાર્થીઓને કંઈક અલગ જ અનુભુતીનો અહેસાસ કરાવે છે. આ શિવ મંદિર રક્ષિત સ્મારકમાં પણ સામેલ છે, પરંતુ પુરાતત્ત્વ વિભાગ આ શિવ મંદિર પ્રત્યે ઘોર બેદરકારી દાખવી રહ્યું છે. હાલ આ મંદિર જીર્ણ અવસ્થાના આરે ઊભુ છે.
પવિત્ર શ્રાવણ માસમાં શિવભક્તો દર્શન માટે આવતા હોય છે, પરંતુ મંદિરની હાલત અત્યંત જર્જરિત જોઈ લોકો વહીવટી તંત્ર ઉપર પોતાનો રોષ ઠાલવતા નજરે પડે છે. તંત્ર દ્વારા આ શિવ મંદિરની કાળજી રાખી તેનું વ્યવસ્થિત રીતે સમારકામ કરાવવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.