મુંબઈના ચર્ચગેટ સ્ટેશનથી જમણી બાજુ રોડ ક્રોસ કરીને ફૂટપાથ પર ચાલો એટલે ૧૦૦ મીટરના અંતરે શુદ્ધ, સ્વાદિષ્ટ ગુજરાતી ભોજન ચાંદીની થાળીમાં જમાડે. પુરોહિત હોટેલના રિસેપ્શન કાઉન્ટરની બાજુમાં આલિશાન સોફા. એ સોફામાં સુકલકડી માણસ હાથમાં પેડ અને પેન લઈને બેઠો હોય બપોરે બાર કલાકે. તમે રિસેપ્શન પર પૂછો કાન્તી ભટ્ટ ક્યાં મળશે ? તો એ આંગળી ચીંધી સોફો બતાવી, જો એ બેઠા છે એ કાન્તી ભટ્ટ.

સર ! નમસ્કાર હું ભરૂચથી આવું છું ? મારે પત્રકાર બનવું છે અભિયાનમાં લેખ લખવા છે ?

આવ દીકરા! બેસ ચ્હા-કોફી લેશે ? વેઈટરને નામ દઈને બોલાવે અને બે ચ્હાનો ઓર્ડર આપે.

તું ભરૂચથી આવે છે, અહેમદ પટેલનું નામ સાંભળ્યું છે ? મેં કહ્યું, “હા એમને એક બે વાર મળવાનું થયું હતું” એક કામ કર આ સોમવારે એક લેખ લખીને મને આ સરનામે મોકલજે.  ‘જી, સર’ મેં કહ્યું.

એ લેખનું શિર્ષક હતું : ‘અહેમદ પટેલ નામના સિક્કાની બીજી બાજુ’

હું ભરૂચ આવ્યો. પત્રકાર મિત્રો સાથે આ અનુભવની વાત કરી સૌ એ આ સાહસ કરવાની ના પાડી. નવોદિત પત્રકાર એટલે મેં વિચાર માંડી વાળ્યો.

વર્ષો પછી એ જી.એન.એફ.સી.માં આવ્યા. આયોજકોને મારું નામ જણાવી કહ્યું ઋષિ દવેને કહેજો મને મળે. હું નર્મદા નગરી ટાઉનશીપમાં ગયો. એમને ગાડી માંથી ઉતરતા જ મળ્યો. મને બાથ ભીડી ઉપર લઇ ગયા. એમની સાથે એક બહેન હતા એમને પણ અચરજ થતું હતું.

ત્યાંથી અમે કાર્યક્રમના સ્થળે એમની ગાડીમાં ગયા. કેટલાક પેરેન્ટ્સ હતા. પોડિયમ છોડીને સીધા ઓડિયન્સમાં ગયા. સૌને મળ્યા. અને પછી એમના વિશે બાળ ઉછેર અને આજનું શિક્ષણ વિશે જે વૈશ્વિક વાતો કરી સતત ૯૦ મિનિટ જે આજે પણ મારા કાનમાં પડઘાય છે. કાન્તી ભટ્ટ ૮૮ વર્ષના. હું ૬૫ નો. મુંબઈની ઘટના ૩૦ વર્ષ પહેલાની અને જી.એન.એફ.સીની ૨૫ વર્ષ પહેલાની. એમની સ્મરણશકિત ગજબની.

હવે ‘સ્વર્ગલોક’ કાન્તીભટ્ટને કલમે એવી કોલમ આપણને મળતી રહે એજ અભ્યર્થના.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here