ભરૂચ જિલ્લા રોડ સેફ્ટી કમિટીની બેઠકમાં માર્ગ સુરક્ષાને લગતા વિવિધ છ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આગામી દિવાળીના તહેવારો દરમિયાન મુસાફરોની વધતી અવરજવરને ધ્યાનમાં રાખીને માર્ગ અકસ્માતો અટકાવવા જરૂરી પગલાં લેવા જિલ્લા કલેક્ટર ડો.નવનાથ ગવ્હાણેએ સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી.બેઠકમાં ઉમરવાડાથી અંસાર માર્કેટને જોડતા રેલવે ફાટક પર ઓવરબ્રિજની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા તેમજ ગ્રામજનોની અવરજવરની સમસ્યાનું નિરાકરણ લાવવા મુદ્દે ચર્ચા થઈ હતી.
આ ઉપરાંત જિલ્લા સ્તરે માર્ગ સુરક્ષા પ્રવૃત્તિઓમાં સડક સુરક્ષા મિત્ર સ્વયંસેવકોને જોડવા અને નર્મદા મૈયા બ્રિજ પરથી સ્થાનિક ખેડૂતો, માછીમારો તથા નાના વેપારીઓને જીવનજરૂરી ચીજવસ્તુઓના પરિવહન માટે વાહનો પસાર કરવાની મંજૂરી આપવા અંગે પણ રજૂઆતો થઈ હતી.ભરૂચ શહેરમાં ચાલી રહેલી માર્ગ અને ડિવાઈડરની કામગીરીમાં જરૂરી ફેરફાર કરી ટ્રાફિકની સમસ્યા દૂર કરવા તેમજ નાગરિકોની સુવિધા જાળવવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરે માર્ગ અકસ્માતોમાં નિર્દોષ નાગરિકોના જીવ બચાવવા માર્ગોની બાજુમાં ઊગી નીકળેલા ઝાડી-ઝાંખરા દૂર કરવા અને નેશનલ હાઈવે પર એકઠી થતી ધૂળની નિયમિત સફાઈ કરવા અધિકારીઓને સૂચનાઓ આપી હતી.
બેઠકમાં અધિક કલેક્ટર આર.બી. ભોગાયતા, એ.એસ.પી. અજયકુમાર મીણા, પ્રાંત અધિકારી, આરટીઓના અધિકારીઓ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
