ભરૂચ જિલ્લામાં દિવાળીના તહેવારો દરમિયાન ઔદ્યોગિક એકમોમાં આગ કે ધડાકા જેવી આકસ્મિક દુર્ઘટનાઓને પહોંચી વળવા ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગ દ્વારા વિશેષ તાલીમ શિબિરો યોજવામાં આવી હતી. ઝઘડિયા, દહેજ અને વિલાયત GIDC ખાતે યોજાયેલી તાલીમમાં 240થી વધુ સિક્યુરિટી જવાનોએ ભાગ લીધો હતો.

ઝઘડિયા GIDC ખાતે 60, દહેજ ઇન્ડસ્ટ્રિયલ એસોસિએશન ખાતે 100 અને વિલાયતની કલરટેક્ષ ઇન્ડસ્ટ્રીઝ ખાતે 80 જેટલા સિક્યુરિટી પર્સનને ફાયર સેફ્ટી, ફર્સ્ટ એઇડ અને કટોકટીના સમયે યોગ્ય કમ્યુનિકેશન અંગે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન અપાયું હતું.દિવાળીના પર્વ દરમિયાન અનેક કારખાનાઓમાં સ્ટાફની પાંખી હાજરી રહેતી હોય છે અથવા એકમો સંપૂર્ણ બંધ હોય છે. આવા સમયે માત્ર સિક્યુરિટી જવાનો જ ફરજ પર હોવાથી આગ કે અન્ય દુર્ઘટના સર્જાય તો તાત્કાલિક કેવી રીતે કામગીરી કરવી અને પરિસ્થિતિને કાબૂમાં લેવી તે અંગે પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમનું આયોજન વિવિધ ઇન્ડસ્ટ્રિયલ એસોસિએશનના સહયોગથી કરવામાં આવ્યું હતું.