• આવતીકાલે રંગોના પર્વ ધુળેટીની કરાશે ઉજવણી

  • કેમિકલ યુક્ત રંગોથી થાય છે આડઅસર

  • ચામડીના રોગ થવાની વધુ શકયતા

  • નિષ્ણાંત તબીબ ડો.અભિષેક પારેખે આપ્યું માર્ગદર્શન

ધુળેટીના પર્વની ઉજવણી દરમિયાન આરોગ્યને પ્રાથમિકતા આપવાની અપીલ તબીબોએ કરી છે. કેમિકલ યુક્ત રંગોના વધતા પ્રયોગને ધ્યાનમાં રાખીને ત્વચા સંબંધિત સમસ્યાઓમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 
ભરૂચ સિવિલ હોસ્પિટલના ચામડીના રોગના નિષ્ણાત તબીબ ડો. અભિષેક પારેખે ધુળેટી નિમિત્તે માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે કેમિકલ યુક્ત રંગો ચામડી, વાળ અને નખને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. આવા રંગોના સંપર્કથી એલર્જી, ખંજવાળ, ચામડી પર ચકામા, દાદ તેમજ અન્ય ત્વચા સંબંધિત રોગ થવાની શક્યતા વધી શકે છે.
ડૉ. અભિષેક પારેખે નાગરિકોને સલાહ આપી કે ધુળેટી રમતા પહેલાં વાળ અને શરીર પર નારિયેળનું તેલ લગાવવું જોઈએ, જેથી રંગો સીધા ચામડી પર અસર ન કરે. ઉપરાંત શક્ય હોય ત્યાં સુધી કુદરતી રંગોનો ઉપયોગ કરવો, લાંબા અને ઢીલા કપડા પહેરવા, આંખોની સુરક્ષા માટે ચશ્મા અને માથા પર ટોપી પહેરવાની પણ સલાહ આપવામાં આવી છે. તબીબોએ ખાસ કરીને બાળકો અને સંવેદનશીલ ત્વચાવાળા લોકોને વધુ સાવચેત રહેવા અનુરોધ કર્યો છે.