-
ખાડી યુદ્ધના કારણે ગેસ સપ્લાય પર અસર
-
વડોદરામાં LPG ગેસ સિલિન્ડર માટે અંધાધૂંધી
-
સુરતમાં પણ સિલિન્ડર મેળવવા કતાર લાગી
-
આકરા તાપમાં લોકો ગેસ બોટલ માટે લાઇનમાં ઉભા
-
ગેસનાં ખાલી બોટલો સાથે લોકો લાઈનમાં ઉભા રહ્યા
વડોદરા અને સુરતમાં ખાડી યુદ્ધના કારણે ગેસ સપ્લાય માટે ઓનલાઇન બુકીંગ બંધ થતા ગ્રાહકોએ એજન્સીઓ પર લાંબી કતાર લગાવી હતી.આ સાથે જ પુરવઠા ખાતુ પણ સક્રિય થઇ ગયું છે અને એલપીજી સ્ટોકનો જથ્થો જાળવી રાખવા ઓઇલ કંપનીઓને સૂચના આપી છે.
અમેરિકા,ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વકરેલા યુદ્ધની અસર હવે ગેસ પુરવઠા પર જોવા મળી રહી છે.ખાડી યુદ્ધના કારણે ગેસ સપ્લાયની શોર્ટેજ સર્જાઇ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.યુદ્ધના કારણે ગેસ સપ્લાયને મોટી અસર પડી છે અને તેના કારણે ઔદ્યોગિક તેમજ કોમર્શિયલ ગેસની સપ્લાય પર કંટ્રોલ કરવામાં આવ્યો છે,જ્યારે ઘરગથ્થુ ગેસની સપ્લાય પર કોઇ અસર નથી તેમ છતાં યુધ્ધના પગલે લોકોમાં ગભરાટ ફેલાયો હોવાથી ગેસના બોટલોનો સ્ટોક કરવા માટે ગ્રાહકોએ ગેસ એજન્સીઓ તરફ દોડ લગાવી હતી.
એલપીજી ગેસના બોટલ માટે સરકારે બુકિંગની સમયમર્યાદામાં વધારો કરતા જ લોકોમાં પેનિક ફેલાયો છે અને આગળના દિવસોમાં તકલીફ સર્જાશે તેમ માની જેટલા બોટલો ઘરમાં એકત્ર થાય તે કરવા માટે દોડાદોડી કરવા લાગ્યા છે. ગેસ એજન્સીઓમાં કેટલાક સ્થળે ઓનલાઇન બુકિંગ સિસ્ટમ બંધ થતા જ લોકોએ સ્થળ પર જઈને બુકિંગ કરવા માટે આજીજી કરવી પડી હતી.
તો બીજી તરફ સુરતમાં એલપીજી ગેસ સિલિન્ડર માટે ઓનલાઇન બુકિંગ બંધ થતા લોકો પરેશાન થઇ ગયા છે.અને સમયસર એલપીજી સિલિન્ડર મેળવવા માટે ગ્રાહકોએ ગેસ એજન્સીઓ પર લાઈન લગાવી છે.અને કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ પણ સમયસર સિલેન્ડર મળશે કે નહીં તેની ચિંતા પણ ગ્રાહકો વ્યક્ત કરી રહ્યા છે.ત્યારે લોકોએ સરકાર પાસે ગેસનો પુરવઠો યોગ્ય પ્રમાણમાં મળી રહે તેવી વ્યવસ્થા કરવા ચિંતા વ્યક્ત કરી છે.
