• અંકલેશ્વર હાંસોટ રોડ પર કામગીરી

  • કડકિયા કોલેજ નજીક કામગીરી

  • આમલાખાડી પરનો બ્રિજ તોડાયો

  • બ્રિજ જર્જરિત હાલતમાં હતો

  • વાહનચાલકો માટે ડાયવર્ઝન અપાયું 

અંકલેશ્વર હાંસોટ રોડ પર કડકિયા કોલેજ નજીક આમલાખાડી પરના જર્જરિત બ્રિજને તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે જેના પગલે વાહનવ્યવહાર માટે બ્રિજની બાજુમાં જ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.
અંકલેશ્વર-હાંસોટ રોડ પર આવેલ કડકિયા કોલેજ નજીક આમલાખાડી પરનો જૂનો બ્રિજ જર્જરિત હાલતમાં પહોંચતા તેને તોડવાની કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે. રાજ્યભરમાં કરવામાં આવેલા બ્રિજ સર્વે દરમિયાન આ બ્રિજ પણ નબળી સ્થિતિમાં હોવાનું સામે આવતા તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સલામતીના હિતમાં જૂના બ્રિજને હટાવી તેની જગ્યાએ આધુનિક સુવિધાઓ સાથે નવો બ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ બ્રિજ અંકલેશ્વરથી હાંસોટ, ઓલપાડ તેમજ સુરતને જોડતો મહત્વનો માર્ગ હોવાથી દરરોજ સેંકડો વાહનો અહીંથી અવરજવર કરતા હતા. બ્રિજ તોડવાની કામગીરીને કારણે સ્ટેટ હાઈવે પર ટ્રાફિક માટે બ્રિજની બાજુમાં જ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, જેથી મુસાફરોને વિકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો પડી રહ્યો છે.માર્ગ અને મકાન વિભાગે જણાવ્યું છે કે નવી બ્રિજની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવશે જેથી વાહન વ્યવહાર ફરીથી સુચારૂ રીતે શરૂ થઈ શકે. હાલ માટે સ્થાનિકોને સાવચેતી રાખી ડાયવર્ઝન માર્ગનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.