ભરૂચના જંબુસર તાલુકાના બોજાદરા ગામે ઢાઢર નદી પાસે એક કરુણ ઘટના બની છે. નદી નજીકથી પસાર થતા સમયે કિસન રાઠોડ નામના યુવાન પર મગર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેનું મોત નીપજ્યું. કિસન રાઠોડ નદી કિનારે જઈ રહ્યો હતો ત્યારે અચાનક મગરએ તેને પકડીને નદીમાં ખેંચી ગયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોમાં ભય અને ગભરાટ ફેલાયો હતો. તાત્કાલિક શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ ઘટનાના બીજા દિવસે તેનો મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.
મગરના હુમલાના કારણે મૃતદેહ ગંભીર રીતે ક્ષતવિક્ષત હાલતમાં મળ્યો હતો, જેને કારણે સમગ્ર ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.મૃતક કિસન રાઠોડના પરિવારમાં ત્રણ સંતાનો છે, જેમણે આ દુર્ઘટનામાં પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે. ગામલોકો દ્વારા પરિવારમાં સહાનુભૂતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.સ્થાનિક તંત્ર દ્વારા લોકોને નદીકાંઠે જતાં સાવચેતી રાખવા અને મગરના ખતરા અંગે જાગૃત રહેવા અપીલ કરવામાં આવી છે.