-
ધાંધલપુરમાં બાળલગ્ન અટકાવાયા
-
ચાઈલ્ડ હેલ્પલાઈનની સમયસર કાર્યવાહી
-
15 વર્ષની કિશોરીના 17 વર્ષીય યુવક સાથે હતા લગ્ન
-
મધરાતે ચાઈલ્ડ હેલ્પલાઈનની ટીમે પાડ્યો દરોડો
-
જાન આવે તે પહેલા જ બાળલગ્નનો માંડવો વિખાયો
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ધાંધલપુર ગામમાં મોડી રાત્રે યોજાનાર બાળલગ્નને ચાઈલ્ડ હેલ્પલાઈનની ટીમે સમયસર પહોંચીને અટકાવ્યા હતા. કાયદાનો ડર અને સમજાવટને અંતે પરિવારે દીકરીના લગ્ન મોકૂફ રાખવાની ખાતરી આપી છે.
પંચમહાલના શહેરા તાલુકાના ધાંધલપુર ગામમાં 4 મેની મોડી રાત્રે લગ્નની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી હતી. જાન પણ આવવાની તૈયારીમાં હતી, પરંતુ તે પહેલા જ ચાઈલ્ડ હેલ્પલાઈનની ટીમને ગુપ્ત માહિતી મળી હતી.
માહિતી મળતાની સાથે જ ચાઈલ્ડ હેલ્પલાઈન અને શહેરા 112ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. જ્યારે ટીમે વર-કન્યાના દસ્તાવેજોની તપાસ કરી, ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી.
તપાસ દરમિયાન બાળકીની ઉંમર માત્ર 15 વર્ષ અને યુવકની ઉંમર 17 વર્ષ હોવાનું માલૂમ પડ્યું હતું. એટલે કે બંને લગ્ન માટેની કાયદેસરની વય મર્યાદાથી ઘણા નાના હતા.ટીમે સમાજના આગેવાનોની હાજરીમાં પરિવારને કાયદાનું ભાન કરાવ્યું હતું. તેમને સમજાવવામાં આવ્યું કે બાળલગ્ન એ ગંભીર ગુનો છે, જેમાં જેલ અને દંડ બંનેની જોગવાઈ છે. કાયદા મુજબ દીકરીની ઉંમર 18 વર્ષ અને દીકરાની 21 વર્ષ પૂર્ણ થાય તે અનિવાર્ય છે.
લાંબી સમજાવટ બાદ પરિવારે પોતાની ભૂલ સ્વીકારી હતી અને બાળકી પુખ્ત વયની થાય તે પછી જ લગ્ન કરાવવાની લેખિતમાં ખાતરી આપી હતી. આમ, ચાઈલ્ડ હેલ્પલાઈનની સતર્કતાને કારણે એક માસૂમની જિંદગી બરબાદ થતા બચી ગઈ છે.
