• વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ

  • ઇંધણ બચાવવા અપીલ કરી

  • સી.એમ.ભુપેન્દ્ર પટેલ 2 કારના કાફલા સાથે પહોંચ્યા

  • હર્ષ સંઘવીનો પણ યુએસએ પ્રવાસ રદ્દ

  • રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો પણ મહત્વનો નિર્ણય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા આહવાહનના પગલે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ માત્ર 2 કારના કાફલા સાથે અમરેલી ખાતે આયોજિત કાર્યક્રમમાં પહોંચ્યા હતા. તો બીજી તરફ નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ મહત્વપૂર્ણ નિર્ણય લીધા છે
અમરેલી જિલ્લાના રાજુલા ખાતે ₹22 કરોડના ખર્ચે નિર્મિત અત્યાધુનિક 108 બેડની હોસ્પિટલના ટ્રોમા સેન્ટરનું લોકાર્પણ કરવા પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘વીઆઈપી કલ્ચર’ ઘટાડવાની અપીલને અક્ષરશઃ સાર્થક કરી બતાવી છે. સામાન્ય રીતે દસથી વધુ વાહનોના લશ્કરી કાફલા સાથે ફરતા મુખ્યમંત્રીએ શિસ્તનું ઉદાહરણ પૂરું પાડતા માત્ર બે જ કાર સાથે રાજુલા પહોંચીને સૌને ચોંકાવી દીધા હતા.પી.એમ.મોદીએ વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાને રાખી લોકોને ઇંધણ બચાવવા અંગે અપીલ કરી છે ત્યારે મુખમંત્રી ભુપેન્દ્ર પટેલે પોતાનાથી શરૂઆત કરી આ પહેલમાં જોડાવવા લોકોને પણ અપીલ કરી છે.
આ તરફ મે મહિનાના છેલ્લા સપ્તાહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન ઓફ યુએસએ (FOGAUSA) દ્વારા આયોજિત બીજા ગુજરાતી કન્વેન્શનમાં હાજરી આપવાના હતા. જોકે વડાપ્રધાનની એક વર્ષ માટે વિદેશ પ્રવાસો ટાળવાની અપીલને અનુસરીને તેમણે આ પ્રવાસ રદ કર્યો છે. સાથે જ તેમણે પણ તેમના કાફલામાં ઘટાડો કર્યો છે.હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, દેશની આર્થિક આત્મરક્ષા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી તમામ અપીલમાં ગુજરાતના નાગરિકોએ સહયોગ કરવો જોઇએ.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પર્યાવરણ જાળવણી અને ઈંધણ બચતના ઉમદા હેતુથી એક પ્રેરણાદાયી નિર્ણય લીધો છે, જે અંતર્ગત તેઓ હવે હેલિકોપ્ટર કે વિમાન સેવાના બદલે ST બસ અને ટ્રેનમાં મુસાફરી કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈંધણ બચાવવાની અપીલને પ્રતિસાદ આપતા રાજ્યપાલે પોતાના કાફલામાં પણ ગાડીઓની સંખ્યા ન્યૂનતમ રાખવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ તેમણે નાગરિકોને પણ પ્રદૂષણ ઘટાડવા માટે સાયકલ અને ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) નો મહત્તમ ઉપયોગ કરવા ખાસ અનુરોધ કર્યો છે.