અમેરિકાના માઉન્ટેન હોમ એરફોર્સ બેઝ ખાતે યોજાયેલા એર શો દરમિયાન એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. એર શો દરમિયાન હવામાં જ બે અમેરિકન EA-18G ગ્રોલર ફાઇટર જેટ એકબીજા સાથે અથડાઈ ગયા હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટનાના થોડા જ પળોમાં આખું એરબેઝ એલર્ટ પર મુકાઈ ગયું અને તાત્કાલિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું. સ્થાનિક લોકો અને એર શો જોવા આવેલા હજારો દર્શકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં આકાશમાં વિમાનોના ટુકડાઓ ઉડતા જોવા મળે છે.
અહેવાલો અનુસાર, આ ઘટના બપોરે લગભગ 12:30 વાગ્યે બની હતી. બંને વિમાનો અમેરિકન સેનાના EA-18G ગ્રોલર ફાઇટર જેટ હતા, જે આધુનિક ઇલેક્ટ્રોનિક યુદ્ધ માટે ઉપયોગમાં લેવાતા અત્યાધુનિક વિમાનો ગણાય છે. આ ફાઇટર જેટ F-18 હોર્નેટનું અદ્યતન સંસ્કરણ માનવામાં આવે છે. અકસ્માત બાદ ઘટનાસ્થળેથી કાળા ધુમાડાના ગોટેગોટા ઊઠતા જોવા મળ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, બંને જેટ એરબેઝથી લગભગ બે માઇલ દૂર જઈને ક્રેશ થયા હતા.
આ અકસ્માતનો સૌથી ચોંકાવનારો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એર શો દરમિયાન દાવપેચ કરતી વખતે બંને વિમાનો હવામાં અથડાઈ જાય છે અને ત્યારબાદ તેમના ટુકડાઓ આકાશમાં ફેલાઈ જાય છે. પરંતુ આ ભયાનક દ્રશ્ય વચ્ચે એક મોટી રાહતની ખબર પણ સામે આવી. અથડામણ બાદ થોડા જ સેકન્ડોમાં આકાશમાં ચાર પેરાશૂટ ખુલતા જોવા મળ્યા હતા. અહેવાલો અનુસાર, ચારેય ક્રૂ સભ્યો સમયસર વિમાનમાંથી બહાર નીકળી ગયા હતા અને તેઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે. અહેવાલો મુજબ, એર શોના ઉદ્ઘોષકે પણ દર્શકોને ખાતરી આપી હતી કે તમામ પાઇલટ્સ સુરક્ષિત રીતે બચી ગયા છે.
