દેવગઢ બારીયા ન.પા.માં સર્જાયા નવા સમીકરણ
નગરપાલિકાની યોજાય હતી પેટાચૂંટણી
ભાજપના છ સભ્યો સસ્પેન્ડ થતા યોજાય હતી પેટાચૂંટણી
ભાજપે 4 બેઠકો ગુમાવવાની સાથે સ્પષ્ટ બહુમતી પણ ખોઈ
સત્તાના સુકાન માટે અપક્ષ બનશે કિંગમેકર
દાહોદ જિલ્લાની દેવગઢ બારીયા નગરપાલિકાની યોજાયેલી પેટાચૂંટણીમાં નવું રાજકીય સમીકરણ રચાયું છે. 24 બેઠકો પૈકી ભાજપ પાસે 9, કોંગ્રેસ પાસે 5, આપ પાસે 2 અને 8 બેઠક પર અપક્ષ ઉમેદવારોનો વિજય થયો છે.
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા નગરપાલિકાની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થયું હતું. મોડેલ સ્કૂલ ખાતે યોજાયેલી મતગણતરી પૂર્ણ થઈ હતી અને પરિણામો જાહેર થતાં જ સ્થાનિક રાજકારણમાં મોટો ગરમાવો આવી ગયો છે. ભાજપને આ ચૂંટણીમાં મોટો ફટકો પડ્યો છે અને પાર્ટીએ પોતાની સ્પષ્ટ બહુમતી ગુમાવી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ ભાજપના છ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ આ ખાલી પડેલી બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી. પરંતુ ચૂંટણી પરિણામોએ ભાજપના ગણિત બગાડી નાખ્યા છે. ભાજપને આ પેટાચૂંટણીમાં સીધુ ચાર બેઠકોનું મોટું નુકસાન વેઠવું પડ્યું છે. આ ચાર બેઠકો પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ જીત મેળવીને ભાજપ પાસેથી બેઠકો આંચકી લીધી છે.
આ નુકસાન સાથે જ દેવગઢ બારીઆ નગરપાલિકામાં ભાજપે પોતાની સ્પષ્ટ બહુમતી ગુમાવી દીધી છે. હવે નગરપાલિકામાં કુલ બેઠકો માટે બહુમતીનો આંકડો 13 નો જરૂરી છે,ત્યારે ભાજપ પાસે 9 બેઠક, અપક્ષ પાસે 8 બેઠક તેમજ કોંગ્રેસ પાસે 5 બેઠક અને આમ આદમી પાર્ટીએ 2 બેઠક હાંસલ કરી છે.
સદસ્યોની એકંદર સંખ્યા જોતાં હવે નગરપાલિકામાં સત્તા સ્થાપવા અથવા બહુમતી સાબિત કરવા માટે 13 બેઠકોની ખાસ જરૂરિયાત રહેશે. હાલ ભાજપ પાસે માત્ર 9 બેઠકો હોવાથી, 8 બેઠકો જીતીને આવેલા અપક્ષ ઉમેદવારો હવે સત્તાનું સુકાન કોના હાથમાં જશે તે નક્કી કરવામાં કિંગમેકરની ભૂમિકા ભજવશે.
