• રાજ્ય સરકારે જળ સુરક્ષામાં મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી

  • નદી,નહેર અને જળાશયોમાંથી કાંપ દૂર કરવામાં આવ્યા

  • રેકોર્ડબ્રેક 22.1 મિલિયન ક્યુબિક મીટર કાંપ દૂર કરાયા 

  • કાંપ દૂર થતા જળસંચય ક્ષમતામાં થયો મોટો વધારો

  • 4223 કિલોમીટર લાંબી નહેરોની સફાઈ પૂર્ણ કરવામાં આવી  

ગુજરાત સરકારે રાજ્યમાં જળ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. છેલ્લા ત્રણ વર્ષમાં જળસંપત્તિ વિભાગે નદીઓનહેરો અને જળાશયોમાંથી રેકોર્ડબ્રેક 22.1 મિલિયન ક્યુબિક મીટર કાંપ દૂર કરીને જળસંચય ક્ષમતામાં મોટો વધારો કર્યો છે.

સિંચાઈ નેટવર્કને મજબૂત કરવા માટે જળસંપત્તિ વિભાગે નિર્ધારિત લક્ષ્યાંક કરતાં વધુ ઝડપે 4223 કિલોમીટર લાંબી નહેરોની સફાઈ પૂર્ણ કરી છે. અંદાજે 96 જેટલાં ભારે ઉત્ખનન મશીનોની મદદથી રેકોર્ડ બ્રેક સમયમાં કરોડો ઘનમીટર માટી હટાવીને કેનાલો અને જળાશયોને ઊંડા કરવામાં આવ્યા છે.

આ અભિયાન હેઠળ લાડવી નદી સહિતના જળસ્ત્રોતોમાંથી નકામી વનસ્પતિ અને અવરોધો દૂર કરી પાણીનો પ્રવાહ સરળ કરાયો છે. નહેરો અને તળાવો ઊંડા થવાને કારણે ગ્રામીણ વિસ્તારોમાં બોરવેલના જળસ્તર ઉંચા આવ્યા છે. પરિણામેઅગાઉ પાણીની તંગી વેઠતા ખેડૂતો હવે પાક સુકાઈ જવાની ચિંતામાંથી મુક્ત બન્યા છે. ભૌગોલિક પડકારો વચ્ચે પણ તંત્રની અવિરત કામગીરીને કારણે છેવાડાના ખેતરો સુધી પાણી પહોંચી રહ્યું છે. સહભાગી સિંચાઈ વ્યવસ્થાપન અને પાણી વપરાશકાર મંડળો થકી જળ સંરક્ષણમાં ખેડૂતોની ભાગીદારી પણ વધી છે. આધુનિક ટેકનોલોજી અને જનભાગીદારીના સમન્વયથી ગુજરાત આજે ટકાઉ જળ વ્યવસ્થાપન તરફ મજબૂત કદમ વધારી રહ્યું છે.