મુશળધાર વરસાદથી ડાયમંડ સિટી જળબંબાકાર

ઘૂંટણસમા પાણી ભરાતા જનજીવન ખોરવાયું 

વાહનચાલકો મુશ્કેલીમાં,અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામ

સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

દક્ષિણ ગુજરાતમાં હજુ પણ અતિભારે વરસાદની ચેતવણી

સુરત જિલ્લાને મેઘરાજાએ પાણી પાણી કરી દીધું છે,મુશળધાર વરસેલા વરસાદે શહેરના વિવિધ વિસ્તારોને જળમગ્ન  કરી દીધા છે,જેના કારણે જનજીવન પર માઠી અસર પડી છે.જયારે બીજી તરફ શિક્ષણ વિભાગ દ્વારા પણ તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. 

સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સુરત શહેરમાં વરસેલા મુશળધાર વરસાદે ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ સર્જી દીધી છે. શહેરના નીચાણવાળા વિસ્તારોથી લઈને મુખ્ય માર્ગો સુધી, જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. રસ્તાઓ જાણે નદીમાં ફેરવાઈ ગયા હોય તેવી ભયાનક પરિસ્થિતિ વચ્ચે વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. અનેક વાહનો પાણીમાં બંધ પડી ગયા છે અને ઓફિસે કે કામધંધે નીકળેલા લોકો રસ્તામાં જ અટવાયા છે.

આ આકાશી આફત વચ્ચે સૌથી ચિંતાજનક દ્રશ્યો શાળાઓની બહારથી સામે આવ્યા છે. સુરતની કેટલીક શાળાઓની બહાર પૂર જેવા પાણી ભરાઈ જવાના કારણે નિર્દોષ વિદ્યાર્થીઓ શાળા પરિસરમાં જ ફસાઈ ગયા હતા. પરિસ્થિતિ એટલી ગંભીર બની હતી કે વહીવટી તંત્રએ તાત્કાલિક ફાયર વિભાગની મદદ લેવી પડી હતી. ફાયર વિભાગના જવાનોએ ત્વરિત કામગીરી હાથ ધરીને શાળાના નાના ભૂલકાઓ અને વિદ્યાર્થીઓનું સુરક્ષિત રેસ્ક્યુ કર્યું છે અને તેમને વાલીઓ સુધી પહોંચાડ્યા છે.ભારે વરસાદને પગલે શિક્ષણ વિભાગે તમામ શાળાઓમાં રજા જાહેર કરી છે.