ભરૂચના ઝઘડિયાના ઉમલ્લા અને વેલુગામમાં થયેલી ઘરફોડ ચોરીઓમાં સિકલીગર ગેંગના 2 સાગરીતોને LCB એ ઝડપી લીધા છે. સાથે જ ઘરફોડ ચોરીના 3 ગુનાનો ભેદ ઉકેલાયો હતો.
જાન્યુઆરીથી એપ્રિલમાં ઉમલ્લા વિસ્તારમાં બંધ મકાનોને ટાર્ગેટ કરી સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી થઈ હતી. એલ.સી.બી.ની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સુરતના ભેસ્તાન ખાતેથી બે શંકાસ્પદ ઈસમોને બાઈક સાથે ઝડપી પાડ્યા હતા. સિકલીગર ગેંગનો રાજવીરસિંહ સિકલીગર અગાઉ વડોદરા અને નર્મદા જિલ્લાના 10 જેટલા ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે અને રાજપીપળાના ગુનામાં વોન્ટેડ હતો. જેની સાથે ક્રિષ્ણાસિંહ શેરુસિંહ સરદારની ધરપકડ કરી લેવામાં આવી છે. બન્ને આરોપી પાસેથી ₹55 હજારનો મુદામાલ રિકવર કરાયો છે. જ્યારે બોબીસિંગ સરદારને વોન્ટેડ જાહેર કરાયો છે.
