જંબુસરમાં ખાતરની અછતથી ખેડૂતો પરેશાન 

ખાતર વિતરણ કેન્દ્ર અપૂરતી વ્યવસ્થાથી ખેડૂતો હેરાન

સવારથી ટોકન મળ્યા બાદ પણ  નથી મળતું ખાતર

ખાતર ન મળતા ખેડૂતો નિરાશ થઈને પરત ફરી રહ્યા છે

ખાતર વિતરણ સંદર્ભે નિષ્પક્ષ તપાસની ઉઠી માંગ  

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં ખતરાની અછત સર્જાતા ખેડૂતો પરેશાન થઇ ગયા છે,અને સમયસર ખેડૂતોને ખાતર ઉપલબ્ધ કરાવવા માટે ઉગ્ર માંગ કરવામાં આવી છે.

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ખેડૂતો ખાતર વિતરણ કેન્દ્ર પર ખાતર લેવા માટે દરરોજ સવારથી જ પહોંચે છે, પરંતુ પૂરતું ખાતર ન મળતા નિરાશ થઈને પરત ફરવાનો વારો આવે છે. ખેડૂતોના જણાવ્યા મુજબ તેમને સવારથી ટોકન આપવામાં આવે છે, પરંતુ થોડા સમય બાદ ખાતરનો જથ્થો પૂર્ણ થઈ ગયો હોવાનું જણાવવામાં આવે છે અને બીજા દિવસે ફરી આવવા માટે કહેવામાં આવે છે.

ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે જ્યારે તેઓ સવારથી લાઈનમાં ઊભા રહે છે ત્યારે પણ તેમને ખાતર મળતું નથી, જ્યારે રાતોરાત ખાતરનો જથ્થો ક્યાં જાય છે તે અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. ખેડૂતોના કહેવા મુજબ જો સવારથી હાજર રહેલા ખેડૂતોને ખાતર મળતું નથી, તો આખરે ખાતરનું વિતરણ કેવી રીતે થઈ રહ્યું છે તેની નિષ્પક્ષ તપાસ કરવા માટે માંગ ઉઠી છે.

ખાતરની અછતને કારણે ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વારંવાર રજૂઆતો કરવા છતાં આજદિન સુધી સમસ્યાનો યોગ્ય ઉકેલ આવ્યો નથી. હજારોની સંખ્યામાં ખેડૂતો દરરોજ ખાતર લેવા આવે છે, પરંતુ સવારથી સાંજ સુધી રાહ જોયા પછી પણ ઘણા ખેડૂતોને ખાલી હાથે પરત ફરવું પડે છે. ખેડૂતોની સરકાર અને સંબંધિત તંત્રને માંગ છે કે જંબુસર તાલુકામાં તાત્કાલિક પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ કરાવવામાં આવે અને વિતરણ વ્યવસ્થાને પારદર્શક બનાવવામાં આવે, જેથી ખેડૂતોને સમયસર ખાતર મળી રહે અને તેમના પાકને કોઈ નુકસાન ન થાય.