ભરૂચ શહેરમાં વરસાદની તોફાની બેટીંગ

ગુરુવારની મોડી રાતથી જ ભારે વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ વરસ્યો વરસાદ

નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી

તંત્ર દ્વારા સાવચેતીરૂપે કાર્યવાહી કરવામાં આવી 

ભરૂચમાં વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી મુજબ ગુરુવાર મોડી રાતથી ધોધમાર વરસાદ વરસ્યો છે,જેના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા છે.

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે ભરૂચ શહેરમાં ગુરુવાર મોડી રાતથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. મેઘરાજાની તોફાની એન્ટ્રીને કારણે ભરૂચ શહેરના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે,અને ચારેય તરફ પાણી ભરાવાની ગંભીર સમસ્યા સામે આવી છે.

ભારે વરસાદને કારણે ભરૂચના કસક સર્કલ, સેવાશ્રમ રોડ, ફુરજા બંદર અને શંભુ ડેરી સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહનોની અવરજવર પ્રભાવિત થઈ હતી અને અનેક સ્થળોએ વાહનચાલકોને ધીમી ગતિએ વાહનો હંકારવાની ફરજ પડી હતી. એટલું જ નહીં, પાણી ભરાવાને કારણે સ્થાનિક રહીશોના રોજીંદા કામકાજમાં પણ ભારે વિઘ્ન ઊભું થયું હતું અને લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.જ્યારે શહેરમાં ભારે વરસાદના પગલે કસક નવીનગરી  વિસ્તારમાં દિવાલ ધરાશાયી તથા 4-5 વાહનો દિવાલ નીચે  દબાયા હતા.

બીજી તરફ, હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર પહેલેથી જ એલર્ટ મોડ પર મોજૂદ હતું. સ્થિતિ ગંભીર બનતાં જ ભરૂચના એસડીએમ મનીષા મનાણી, નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ તેમજ નગરપાલિકાની વિશેષ ટીમે શહેરના વિવિધ પાણી ભરાયેલા વિસ્તારોની સ્થળ મુલાકાત લીધી હતી. અધિકારીઓએ સમગ્ર સ્થિતિનું બારીકાઈથી નિરીક્ષણ કરી સંબંધિત વિભાગોને પાણીના ઝડપી નિકાલ માટેની કામગીરી કરવા કડક સૂચનાઓ આપી હતી અને સતત મોનિટરિંગ હાથ ધર્યું હતું.

જોકે, સવારના સમયે વરસાદનું જોર થોડું ઘટતાં અને વરસાદ બંધ રહેતા ભરાયેલા પાણી ધીમે ધીમે ઓસરવા લાગ્યા છે, જેના કારણે સ્થાનિક રહીશો અને વાહનચાલકોએ મોટી રાહતનો શ્વાસ લીધો છે.

જોકે, સંકટ હજુ પૂર્ણ થયું નથી. હવામાન વિભાગ દ્વારા આગામી કલાકોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેને પગલે વહીવટી તંત્ર સંપૂર્ણપણે સતર્ક છે. તંત્ર દ્વારા તમામ નાગરિકોને કામ વગર બિનજરૂરી બહાર ન નીકળવા અને નીચાણવાળા વિસ્તારોમાં પૂરતી સાવચેતી રાખવા ખાસ અપીલ કરવામાં આવી છે.