થરા દેવદરબાર મઠ વિવાદનો મામલો 

ઘટનાને પગલે ચૌધરી સમાજ આરપારના મૂડમાં

સમાજ દ્વારા વિરાટ મહાપંચાયત યોજાઈ  

FIR માં કથિત ગોટાળાથી ભારે રોષ

મુખ્ય આરોપી મહંતનું નામ કાઢી નાખવાનો આક્ષેપ

બનાસકાંઠાના થરામાં આવેલા દેવદરબાર મઠ ખાતે બનેલી ઘટના બાદ સમગ્ર ગુજરાતનો ચૌધરી સમાજ હવે આરપારના મૂડમાં આવી ગયો છે.અને સમાજ દ્વારા વિરાટ મહાપંચાયતનું યોજવામાં આવી હતી,જેમાં પોલીસ તંત્ર પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા.

બનાસકાંઠાના થરામાં આવેલા દેવદરબાર મઠ ખાતે બનેલી ઘટના બાદ સમગ્ર ગુજરાતનો ચૌધરી સમાજ હવે આરપારના મૂડમાં આવી ગયો છે! ઘટનાના 20 દિવસથી વધુ સમય વિતવા છતાં ન્યાય ન મળતા વઢિયાર પંથક સહિત રાજ્યભરમાંથી ચૌધરી સમાજના અગ્રણીઓ અને યુવાનો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. સમાજનો સીધો આક્ષેપ છે કે થરા પોલીસે રાજકીય કે મઠના દબાણ હેઠળ આવી મૂળ FIRમાંથી કાવતરાના મુખ્ય સૂત્રધાર મહંત બળદેવનાથનું નામ કાઢી નાખ્યું છે.

અપહરણ, મારપીટ અને લૂંટ જેવી ગંભીર ઘટનાઓ છતાં હળવી કલમો લગાવવા સામે સમાજે સવાલો ઉઠાવ્યા છે. સમાજના આગેવાન ભેમા ચૌધરીએ તીખો પ્રહાર કરતા પૂછ્યું કે, રાજ્યમાં બેવડા કાયદા કેમ ચાલી રહ્યા છે અને પોલીસ મુખ્ય આરોપીને શા માટે છાવરી રહી છે?

ન્યાયની માંગ સાથે મહાપંચાયતમાંથી તંત્રને સીધું 10 દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જો મુખ્ય આરોપી સામે કાર્યવાહી કરી તેની ધરપકડ કરવામાં નહીં આવે, તો હજારોની સંખ્યામાં સમાજના લોકો ગાંધીનગર ઘેરાવ કરશે. હવે જોવાનું એ રહેશે કે સરકાર અને પોલીસ તંત્ર આ વિરોધ સામે શું કાર્યવાહી કરે છે.