પેરૂના નાઝ્કા શહેર નજીક પ્રવાસીઓને લઈને ઉડાન ભરેલું એક નાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં તેમાં સવાર બે પાયલટ સહિત તમામ 13 લોકોના મોત થયા છે. આ વિમાન વિશ્વપ્રસિદ્ધ આશરે 2,000 વર્ષ જૂની નાઝ્કા લાઇન્સનું હવાઈ દૃશ્ય બતાવવા માટે નીકળ્યું હતું.

દક્ષિણ અમેરિકાના દેશ પેરૂમાં એક હૃદયદ્રાવક વિમાન દુર્ઘટના સર્જાઈ છે. નાઝ્કા શહેરની બહાર પ્રવાસીઓને લઈને ઉડાન ભરેલું નાનું વિમાન અચાનક તૂટી પડતાં તેમાં સવાર તમામ 13 લોકોનાં મોત થયા હતા. અકસ્માત બાદ વિમાનમાં ભીષણ આગ લાગી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક પ્રશાસન અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ કોઈને બચાવી શકાયા નહોતા.

આ વિમાન નજીકના ઇકા (Ica) શહેરમાંથી વિશ્વપ્રસિદ્ધ નાઝ્કા લાઇન્સનું હવાઈ દૃશ્ય બતાવવા માટે ઉડાન ભરી હતી. શરૂઆતમાં ઉડાન સામાન્ય રીતે ચાલી રહી હતી, પરંતુ નાઝ્કા લાઇન્સ નજીક પહોંચ્યા બાદ વિમાન અચાનક નિયંત્રણ ગુમાવી બેઠું અને એક ખેતરમાં તૂટી પડ્યું. અકસ્માત બાદ વિમાનમાં ભીષણ આગ લાગી અને તે સંપૂર્ણપણે બળી ગયું.

વિમાનમાં બે પાયલટ અને 11 પ્રવાસીઓ સવાર હતા. સ્થાનિક લોકોએ તરત જ પ્રશાસનને જાણ કરી હતી. બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી, પરંતુ ત્યાં સુધીમાં તમામ મુસાફરો અને ક્રૂ સભ્યોનાં મોત થઈ ચૂક્યાં હતાં.