સતીષ મરાઠાની ચકચારી હત્યા કેસનો ભેદ ઉકેલાયો
લાજપોર જેલમાંથી ઘડાયું હતું ખૌફનાક કાવતરું
મહારાષ્ટ્ર ભાગે તે પહેલા જ આરોપીઓ દબોચી લેવાયા
ક્રાઈમ બ્રાંચ અને તાપી LCBનું સફળ ઓપરેશન
પોલીસે 4 સગીર સહિત 8 આરોપીની કરી ધરપકડ
સુરતના ભેસ્તાન વિસ્તારમાં બનેલા ચકચારી સતીષ મરાઠા હત્યાકાંડમાં પોલીસને મોટી સફળતા મળી છે. જૂની અદાવતમાં ફાયરિંગ અને તીક્ષ્ણ હથિયારો વડે કરપીણ હત્યા કરનાર 4 સગીર સહિત કુલ 8 આરોપીઓને પોલીસે દબોચી લીધા છે.
સુરતના ભેસ્તાન વિસ્તારમાં થોડા દિવસો અગાઉ જૂની અદાવતને લીધે ગાડીનો કાચ તોડી સતીષ મરાઠા બહાર આવતા જ તેના પર ફાયરિંગ અને તલવાર, કુહાડી તથા કોયતા વડે ઘાતકી હુમલો કરી ક્રૂર હત્યા કરવામાં આવી હતી. મૃતક સતીષ મરાઠા પોતે પણ અગાઉ ચર્ચાસ્પદ સૂર્યા મરાઠી મર્ડર કેસ સહિત અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હતો.
ઘટનાની ગંભીરતા જોઈ સુરત ક્રાઈમ બ્રાંચ અને તાપી LCB એલર્ટ થઈ હતી. સુરત-ધુલિયા હાઇવે પર તાપીના ઉચ્છલ વિસ્તારમાંથી પોલીસે નાકાબંધી કરીને આરોપીઓ મહારાષ્ટ્ર ભાગે તે પહેલા જ ઘેરી લીધા હતા. પોલીસે કેતન ઉર્ફે સન્ની શિરસાઠ, રાહુલ ઉર્ફે બટકો દુબે, કરણ ઉર્ફે પુદુલ દુબે, અજીત ઉર્ફે જસ્ટીન ગોસ્વામી સહિત 4 સગીરોને ઝડપી લીધા છે. આરોપીઓ પાસેથી 2 દેશી પિસ્ટલ, 1 તમંચો, મેગ્ઝીન અને 3 મોપેડ જપ્ત કરવામાં આવ્યા છે.
પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે કે આ હત્યાનું મુખ્ય કાવતરું લાજપોર જેલમાં બંધ ગેંગસ્ટર રાહુલ સોમન મંડલે ઘડ્યું હતું. જેલમાં થયેલી ઓળખાણ અને જૂની ગેંગવોરની અદાવતને કારણે સતીષને ખતમ કરવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો. હાલ પોલીસ આ કેસના મુખ્ય કાવતરાખોર રાહુલ મંડલ, રાહુલ કાપુરે અને રીંકુ નામના શખ્સોને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલા તમામ આરોપીઓ અગાઉ પણ હત્યા, હત્યાના પ્રયાસ અને ખંડણી જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે.
