કે.જે.પોલિટેકનિક કોલેજ ખાતે જાગૃતિ સેમિનાર યોજાયો

હ્યુમેનિટીઝ વિભાગ – ભરૂચ પોલીસ વિભાગનો સહયોગ

વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમો અંગે માર્ગદર્શન અપાયું

ફરજિયાત હેલ્મેટ અને સીટબેલ્ટ પહેરવા અનુરોધ કરાયો

માર્ગ સુરક્ષા પ્રતિજ્ઞા લઈને પ્રતિબદ્ધતા વ્યક્ત કરાય

ભરૂચ જિલ્લા પોલીસના સહયોગથી કે.જે.પોલિટેકનિક કોલેજમાં વિદ્યાર્થીઓ માટે માર્ગ સુરક્ષા જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ટ્રાફિકના નિયમો સહિત સલામત ડ્રાઇવિંગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ભરૂચ શહેરની કે.જે.પોલિટેકનિક કોલેજ ખાતે હ્યુમેનિટીઝ વિભાગ દ્વારા ભરૂચ જિલ્લા પોલીસના સહયોગથી માર્ગ સુરક્ષા જાગૃતિ સેમિનાર યોજાયો હતો. જેમાં સિવિલ એન્જિનિયરિંગ વિભાગના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સેમિનારમાં ભરૂચ જિલ્લા પોલીસના PSI આર.આર.ગોહિલ અને તેમની ટીમે વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમો, હેલ્મેટ અને સીટબેલ્ટના ઉપયોગનું મહત્વ, વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ ટાળવા તેમજ માર્ગ ચિહ્નોના પાલન અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

આ સાથે જ માર્ગ સુરક્ષા માત્ર નિયમોનું પાલન નહીં, પરંતુ જીવન બચાવવાની જવાબદારી હોવાનું પણ સમજાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓએ માર્ગ સુરક્ષા પ્રતિજ્ઞા લઈને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની તથા અન્ય લોકોને પણ તે માટે પ્રેરિત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે જિલ્લા પોલીસ, ટ્રાફિક બ્રિગેડ, સંસ્થાના આચાર્ય, અધ્યાપકો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.