શ્રાવણ માસના પ્રથમ દિવસે ભક્તો બન્યા શિવમય
જુના તવરાના શ્રી ચિંતનાથ મહાદેવ મંદિરે ભક્તો ઉમટ્યા
‘ઓમ નમઃ શિવાય’ના નાદથી ગુંજી ઊઠ્યું પૌરાણિ મંદિર
પ્રાચીન કાળમાં મહર્ષિ કપિલમુનિએ કઠોર તપસ્યા કરી હતી
સપ્ત શિવલિંગના દર્શનનો છે અનેરો મહિમા
ભરૂચ નજીક આવેલા જૂના તવરા ગામના પ્રાચીન શ્રી ચિંતનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસના પ્રથમ દિવસે જ શિવભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. વહેલી સવારથી જ સમગ્ર મંદિર પરિસર ‘ઓમ નમઃ શિવાય’ અને ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠ્યું છે.
પવિત્ર નર્મદા નદીના કિનારે આવેલા ભરૂચ જિલ્લાના તવરા ગામે શ્રાવણ માસ દરમિયાન સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શનાર્થે ઉમટી પડે છે. આ એ જ પવિત્ર ભૂમિ છે જ્યાં પ્રાચીન કાળમાં મહર્ષિ કપિલમુનિએ કઠોર તપસ્યા કરી હતી. શાસ્ત્રો અનુસાર, તવરા ગામનું મૂળ નામ ‘તરણેશ્વર’ હતું, જેનું સમય જતા અપભ્રંશ થઈને ‘તવરા’ નામ પડ્યું છે.
ધાર્મિક વાયકા મુજબ, કપિલ મુનિ નર્મદા કાંઠે દશાશ્વમેઘ ઘાટ પર બલિરાજાના મહેમાનો બન્યા બાદ તવરા આવ્યા હતા. અહીં તેમણે કપિલેશ્વર મહાદેવ સહિત સપ્ત શિવલિંગની શ્રી કપિલેશ્વર મહાદેવ,શ્રી કોટેશ્વર, મહાદેવ,શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ,શ્રી વિઘ્નેશ્વર મહાદેવ,શ્રી મહાકાલેશ્વર મહાદેવ,શ્રી ગુપ્તેશ્વર મહાદેવ,શ્રી નર્મદેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી.
રેવા પુરાણ મુજબ, અહીં બાણાસુરે પણ તપ કરીને કોટેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી, જે હાલ કડોદ ગામની સીમમાં આવેલું છે.
આ મંદિરનો ઇતિહાસ અદ્ભુત ચમત્કારોથી ભરેલો છે. મોગલ શાસન દરમિયાન ઔરંગઝેબના સૈન્યે જ્યારે આ પવિત્ર શિવલિંગને ખંડિત કરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે શિવલિંગમાંથી અચાનક દૂધની ધારાઓ વછૂટી હતી. આ ચમત્કાર જોઈ ઔરંગઝેબનું સૈન્ય નિષ્ફળ ગયું હતું અને ત્યાંથી અંગારેશ્વર તરફ ભાગી છૂટ્યું હતું.
શાસ્ત્રોમાં નર્મદા તટના ‘કંકર એટલા શંકર’નો મહિમા ગવાયો છે. ચૈત્ર સુદ ચૌદસ તથા શ્રાવણ માસમાં નર્મદા સ્નાન કરી, દીવડાનું દાન કરી આ સપ્ત શિવલિંગના દર્શન કરવાથી અખંડ ચક્ષુ પ્રાપ્તિ સાથે મોક્ષ મળે છે. અહીં દર્શન કરવાથી ભક્તો તમામ આધિ-વ્યાધિ અને ચિંતામાંથી મુક્ત થતા હોવાથી આ ધામ ‘ચિંતનાથ મહાદેવ’ તરીકે પૂજાય છે.
શ્રાવણ માસના તમામ સોમવારે અને મહાશિવરાત્રિએ અહીં શિવભક્તિનો અદ્ભુત માહોલ સર્જાય છે. શ્રદ્ધાળુઓ મહાદેવના ચરણોમાં શીશ નમાવી પોતાની ચિંતાઓથી મુક્તિ મેળવી ધન્યતા અનુભવે છે.
