ભરૂચના જંબુસર યુનિયન જીન ખાતે નકલી કુપનનો ઉપયોગ કરીને ખાતર મેળવવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. આ સમગ્ર પ્રકરણમાં જંબુસર પોલીસે બે વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે.
ભરૂચના જંબુસર યુનિયન જીન ખાતે ખાતર મેળવવા માટે નકલી કુપનનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવતા સંસ્થા દ્વારા તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કુલ 15 નકલી કુપન મળી આવતા મામલો ગંભીર બન્યો હતો.આ અંગે સંસ્થાના ચેરમેન જીતેન્દ્ર પટેલે જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી મુસ્તકીમ અશરફ અને સફવાન ઈદ્રીસ નામના બે વ્યક્તિઓની ધરપકડ કરી હતી.
બંને આરોપીઓને જંબુસર કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે અઢી દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન નકલી કુપન ક્યાંથી બનાવવામાં આવ્યા, તેમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તેમજ નકલી કુપન દ્વારા અગાઉ કોઈ વખત ખાતર મેળવવામાં આવ્યું છે કે નહીં તે સહિતના મુદ્દે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.ખાતરની અછત અને ખેડૂતોની લાંબી લાઈનો વચ્ચે નકલી કુપન બનાવી વ્યવસ્થાનો ગેરલાભ લેવાના આક્ષેપને લઈને આ મામલો ચર્ચામાં આવ્યો છે.
