રાજ્યમાં સીઝનલ ફ્લૂ અને H1N1ના વધતા કેસની શક્યતાઓને ધ્યાનમાં રાખીને આરોગ્ય મંત્રીની ટકોર બાદ આરોગ્ય તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. આ જ સંદર્ભે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા આગોતરા આયોજન રૂપે કડક પગલાં લેવામાં આવ્યા છે.
સુરત સિવિલ હોસ્પિટલ તંત્ર હાલ H1N1 ની પરિસ્થિતિને લઈને ખડે પગે જોવા મળી રહ્યું છે. દર્દીઓને તાત્કાલિક અને યોગ્ય સારવાર મળી રહે તે માટે હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં વેન્ટિલેટર અને જરૂરી તમામ એન્ટી-વાયરલ દવાઓનો એડવાન્સ સ્ટોક કરી દેવામાં આવ્યો છે.કોઈપણ ઈમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા માટે સુરત સિવિલ હોસ્પિટલના 5 અલગ-અલગ વોર્ડમાં વિશેષ H1N1 આઈસોલેશન બેડ તૈયાર કરવામાં આવ્યા છે.
જોકે સુરતવાસીઓ માટે હાલ સૌથી મોટા રાહતના સમાચાર એ છે કે સુરત સિવિલ હોસ્પિટલમાં હાલ H1N1નો એક પણ દર્દી દાખલ નથી. શૂન્ય કેસ હોવાના કારણે હોસ્પિટલ તંત્ર અને સ્થાનિક આરોગ્ય વિભાગે હાલ પૂરતો રાહતનો શ્વાસ લીધો છે. તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને નાગરિકોને પણ ફ્લુના લક્ષણો દેખાય તો તુરંત નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.
