ભરૂચના હાંસોટમાં આવેલી છે સુગર ફેકટરી

પંડવાઈ સુગર ફેક્ટરીની ચૂંટણી

મંત્રી ઇશ્વરસિંહ પટેલની પેનલનો વિજય

સુગર ફેકટરી પર ઇશ્વરસિંહ પટેલનું કરાયુ સ્વાગત

ફટાકડા ફોડી સ્વાગત કરાયુ

ભરૂચના હાંસોટની પંડવાઈ સુગર ફેકટરીમાં રાજ્યના મંત્રી ઇશ્વરસિંહ પટેલની સહકાર પેનલનો ચૂંટણી પૂર્વે જ બિનહરીફ વિજય થતા સુગર ફેકટરી ખાતે વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો

ભરૂચના હાંસોટ તાલુકામાં આવેલી પંડવાઈ શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીની ચૂંટણીમાં રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલની આગેવાની હેઠળની સહકાર પેનલે ચૂંટણી પૂર્વે જ મોટો વિજય મેળવ્યો છે. કુલ 16 ઝોન પૈકી 14 ઝોનમાં સહકાર પેનલના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે.

14 બેઠકો બિનહરીફ થતાં સહકાર પેનલના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ગાંધીનગરથી પંડવાઈ સુગર ફેક્ટરી ખાતે મંત્રી ઈશ્વરસિંહ પટેલ પહોંચતા સમર્થકોએ ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવ્યો હતો. સહકારી ક્ષેત્રના આગેવાનો અને કાર્યકરોએ મંત્રી ઇશ્વરસિંહ પટેલ અમે સુગર ફેકટરીના વાઇઝ ચેરમેન અનિલ પટેલને ફુલહાર પહેરાવી જીતની શુભેચ્છાઓ પાઠવી હતી.બાકી રહેલી બે બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે ત્યારે મંત્રી ઈશ્વરસિંહ પટેલે ચૂંટણીમાં ફોર્મ પરત ન ખેંચનારા બે ઉમેદવારો સામે આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા મુજબ, આ ઉમેદવારો ખેડૂત વિરોધી છે અને તેમની હઠના કારણે સુગર ફેક્ટરીને ચૂંટણી પાછળ અંદાજે રૂ. 30થી 35 લાખનો ખર્ચ ઉઠાવવો પડશે.વિજયોત્સવ દરમિયાન ઈશ્વરસિંહ પટેલે ખેડૂતોના હિતને પ્રાથમિકતા આપવાની વાત કરી હતી. તેમણે ખેડૂતોને આગામી સમયમાં પણ શેરડીના સારા ભાવ મળે તે માટે સતત પ્રયત્નશીલ અને કટિબદ્ધ રહેવાની ખાતરી આપી હતી.